વિરાટ-અનુષ્કાની દીકરી પર રેપની ધમકી આપનાર સામેનો કેસ હાઈ કોર્ટે પડતો મૂક્યો

12 April, 2023 12:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આરોપીએ ૨૦૨૧ના ટી૨૦ વર્લ્ડ કપમાં ૨૪ ઑક્ટોબરે પાકિસ્તાન સામે રમાયેલી મૅચમાં ઇન્ડિયા હારી જતાં ગુસ્સે ભરાઈને વિરાટ અને અનુષ્કાની દીકરી બાબતે અભદ્ર અને વાંધાજન ટ્વીટ કરી હતી

ફાઇલ તસવીર

સોશ્યલ મીડિયા પર વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની દીકરી પર રેપ કરવાની ધમકી આપનાર હૈદરાબાદના રામ નાગેશ એકુબથી સામેનો કેસ બૉમ્બે હાઈ કોર્ટે પડતો મૂક્યો છે. 
આઇઆઇટી હૈદરાબાદથી સ્નાતક થયેલા આરોપીએ ૨૦૨૧ના ટી૨૦ વર્લ્ડ કપમાં ૨૪ ઑક્ટોબરે પાકિસ્તાન સામે રમાયેલી મૅચમાં ઇન્ડિયા હારી જતાં ગુસ્સે ભરાઈને વિરાટ અને અનુષ્કાની દીકરી બાબતે અભદ્ર અને વાંધાજન ટ્વીટ કરી હતી એટલે તેની સામે કોહલીની મૅનેજર અકીલા ડિસોઝાએ એફઆ​ઇઆર નોંધાવ્યો હતો. એમાં સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટ, બદઇરાદા અને આઇટી ઍક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

આરોપીએ ત્યાર બાદ હાઈ કોર્ટમાં કેસ પડતો મૂકવા માટેની અરજી કરી હતી, જેમાં તેણે કહ્યું હતું કે ‘હું જેઈઈ એક્ઝામનો મેરિટ લિસ્ટમાં આવેલો અને રૅન્ક મેળવનાર સ્ટુડન્ટ છું. મારે સર્વિસ માટે વિદેશ જવું છે અને મારી સામેનો કેસ એમાં અંતરાયરૂપ બની રહ્યો છે એટલે એ કેસ પડતો મૂકવામાં આવે.’

જોકે આખરે ફરિયાદી અકીલા ડિસોઝાએ સોમવારે કોર્ટમાં ઍફિડેવિટ ફાઇલ કરીને જો કેસ પડતો મૂકવામાં આવે તો મને કોઈ વાંધો નથી એમ જણાવતાં જસ્ટિસ એ. એસ. ગડકરી અને જસ્ટિસ પી. ડી. નાઈકની ડિવિઝન બેન્ચે એ કેસ પડતો મૂક્યો છે. 

mumbai mumbai news bombay high court mumbai high court anushka sharma virat kohli virat anushka