16 January, 2025 12:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
વધી રહેલાં વાહનોને લીધે મુંબઈમાં હવાની ગુણવત્તા બગડતી હોવાથી બૉમ્બે હાઈ કોર્ટે ગઈ કાલે રાજ્ય સરકારને એક્સપર્ટ્સની એક પૅનલ બનાવીને પેટ્રોલ અને ડીઝલનાં વાહનો પર તબક્કાવાર પ્રતિબંધ મૂકવો શક્ય છે કે નહીં એનો રિપોર્ટ તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટનું કહેવું છે કે ઍર-પોલ્યુશનને ડામવા માટે મુંબઈના રોડ પર કૉમ્પ્રેસ્ડ નૅચરલ ગૅસ (CNG) અને ઇલેક્ટ્રિસિટી પર ચાલતાં વેહિકલ જ હોવાં જોઈએ.
ચીફ જસ્ટિસ ડી. કે. ઉપાધ્યાય અને જસ્ટિસ ગિરીશ કુલકર્ણીની ડિવિઝન બૅન્ચે પંદર દિવસની અંદર એક્સપર્ટ્સની પૅનલની રચના કરવા કહ્યું હતું. કોર્ટનું માનવું છે કે શહેરની કથળતી હવાની ગુણવત્તા માટે વાહનોનું પ્રદૂષણ સૌથી વધારે જવાબદાર છે અને એને લીધે ઍર-પૉલ્યુશનને ડામવા માટે જેટલાં પગલાં લેવામાં આવે છે એ અપૂરતાં પુરવાર થાય છે.
હાઈ કોર્ટે સરકારની પૅનલને આ બાબતે સ્ટડી કરીને ત્રણ મહિનાની અંદર રિપોર્ટ સુપરત કરવા પણ કહ્યું છે. આની સાથે કોર્ટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) અને મહારાષ્ટ્ર પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (MPCB)ને પણ આદેશ આપ્યો છે કે ‘લાકડા અને કોલસાથી ચાલતી તમામ બેકરી એક વર્ષને બદલે છ મહિનાની અંદર ગૅસસંચાલિત થઈ જવી જોઈએ. જે બેકરીવાળા આ સમયમર્યાદામાં બદલાવ ન કરે તેનું લાઇસન્સ રદ કરી નાખવું.’
હવે પછી લાકડા કે કોલસાથી ચાલનારી નવી બેકરીને પરવાનગી આપવાની પણ ના પાડી દીધી છે. એટલું જ નહીં, શહેરની તમામ કન્સ્ટ્રક્શન સાઇટ પર પૉલ્યુશન ઇન્ડિકેટર પણ મૂકવાનો BMC અને MPCBને આદેશ કોર્ટે આપ્યો હતો. હવે આ કેસની આગામી સુનાવણી ૧૩ ફેબ્રુઆરીએ રાખવામાં આવી છે.