સ્ટ્રે ડૉગ્સની દેખભાળ માટે વ્યવસ્થા ઊભી કરવી જરૂરી : બૉમ્બે હાઈ કોર્ટ

17 January, 2023 10:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એનજીઓ વેલ્ફેર ઑફ સ્ટ્રે ડૉગ્સને આ કામ માટે સાંકળવામાં આવે એમ અદાલત ઇચ્છે છે

ફાઇલ તસવીર

બૉમ્બે હાઈ કોર્ટે સોમવારે જણાવ્યું હતું કે રસ્તાઓ પર સ્ટ્રે ડૉગ્સની વધી રહેલી સંખ્યાને ધ્યાનમાં રાખીને એમના વંધ્યીકરણ, દેખભાળ અને રસીકરણ માટે વ્યવસ્થા ઊભી કરવી જરૂરી છે. આ માટે અદાલતે એનજીઓની સહાય માગી હતી.

જસ્ટિસ ગૌતમ પટેલ અને જસ્ટિસ એસ. જી. દિગેની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા દાયકાઓથી સ્ટ્રે ડૉગ્સના કલ્યાણ માટે કામ કરી રહેલા એનજીઓ વેલ્ફેર ઑફ સ્ટ્રે ડૉગ્સને આ કામ માટે સાંકળવામાં આવે એમ અદાલત ઇચ્છે છે.

કોર્ટે સ્ટ્રે ડૉગ્સને ખવડાવવા માટે જાહેર સ્થળોએ જગ્યા નક્કી કરવા નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનને હુકમ કરવાની માગણી કરતા નવી મુંબઈના સીવૂડ્સ ખાતેના રહેણાક કૉમ્પ્લેક્સના છ રહેવાસીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી યાચિકાની સુનાવણી હાથ ધરી હતી. આ ઉપરાંત તેમણે સ્ટ્રે ડૉગ્સને ખવડાવવા બદલ તેમની હાઉસિંગ સોસાયટીએ ફટકારેલા દંડને પણ પડકાર્યો હતો.
ડોમેસ્ટિક હેલ્પ, ડ્રાઇવર્સ અને અન્ય સર્વિસ પ્રોવાઇડર્સને પિ​ટિશનર્સના ઘરે જવાની છૂટ ન આપવા બદલ અદાલતે રેસિડેન્શિયલ કૉમ્પ્લેક્સનું વ્યવસ્થાપન સંભાળતી સીવુડ એસ્ટેટ લિમિટેડને ઠપકો પણ આપ્યો હતો.

‘સ્ટ્રે ડૉગ્સની આટલી મોટી સંખ્યા જોતાં એમના વંધ્યીકરણ, રસીકરણ અને દેખભાળ માટે વ્યવસ્થા હોવી જરૂરી છે. આ વિષય પર નિપુણતા ધરાવતું કોઈ સંગઠન મદદ કરે એ ઘણું ઉપયોગી થઈ પડશે. વેલ્ફેર ઑફ સ્ટ્રે ડૉગ્સ આવું સંગઠન છે. હાલની યાચિકામાં વેલ્ફેર ઑફ સ્ટ્રે ડૉગ્સને પક્ષકાર બનાવવાનો અમે હુકમ કરીએ છીએ,’ એમ અદાલતે જણાવીને આ મામલાની આગામી સુનાવણી બીજી માર્ચે હાથ ધરવાનું જણાવ્યું હતું.

mumbai mumbai news mumbai high court bombay high court