26 January, 2025 02:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉમ્બે હાઈ કોર્ટની ફાઈલ તસવીર
બૉમ્બે હાઈ કોર્ટે નશાની હાલતમાં કાર ચલાવવાના આરોપસર ધરપકડ કરેલા ૩૨ વર્ષના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ (IIM) ગ્રૅજ્યુએટ દેવપ્રિય નિશંકને જામીન આપતી વખતે અજબ આદેશ આપ્યો હતો. બૉમ્બે હાઈ કોર્ટના જસ્ટિસ મિલિંદ જાધવે એક પ્રાઇવેટ કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરી રહેલા દેવપ્રિયને ગુરુવારે જામીન આપતી વખતે કહ્યું હતું કે તેણે ત્રણ મહિના સુધી દરેક વીક-એન્ડમાં મુંબઈના કોઈ બિઝી સિગ્નલ પર ‘Don’t Drink & Drive’ લખેલા પ્લૅકાર્ડ સાથે ત્રણ કલાક ઊભા રહેવું. સફેદ બૅકગ્રાઉન્ડવાળા ૪ ફુટ લાંબા અને ૩ ફુટ ઊંચા ફ્લેક્સ પ્લૅકાર્ડમાં કાળા અક્ષરે ‘Don’t Drink & Drive’ લખ્યું હોવું જોઈએ. આરોપીએ નશાની હાલતમાં કાર ચલાવીને રોકાયા વિના પોલીસચોકી પર કાર ચડાવી દીધી હોવાથી તેની ધરપકડ કરવામાં આવી હતી. જસ્ટિસે કહ્યું હતું કે ‘આરોપી બે મહિનાથી કસ્ટડીમાં છે. તેની ઉંમર અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેને વધુ સમય સુધી કસ્ટડીમાં રાખવાની જરૂર નથી. જોકે તેણે નશો કરીને લાપરવાહીથી વાહન ચલાવવાની સાથે ટ્રાફિક-પોલીસના નિર્દેશની અવગણના કરવાની સાથે સાર્વજનિક સંપત્તિને પણ નુકસાન પહોંચાડ્યું છે એટલે તેને શરત સાથે જામીન આપવા જરૂરી છે.’
પ્લૅકાર્ડ સાથે ઊભા રહેવાની સાથે આરોપીએ વરલી નાકા જંક્શન પર સિગ્નલ પર ડ્યુટી કરી રહેલા ટ્રાફિક-પોલીસ અધિકારીને રિપોર્ટ કરવો પડશે. આવો આદેશ આપવાનો ઉદ્દેશ દારૂ પીને વાહન ચલાવવું યોગ્ય નથી અને એનાથી થતા નુકસાનની જાગૃતિ લાવવાનો છે.