માત્ર પબ્લિસિટી મેળવવા માટે આવી અરજી ન કરો

22 January, 2024 07:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રામોત્સવ માટે રાજ્ય સરકારે જાહેર કરેલી રજાને પડકારતી જનહિતની અરજી ફગાવતાં બૉમ્બે હાઈ કોર્ટે એ રાજકારણથી પ્રેરિત, ફાલતુ અને સમય બગાડનારી હોવાનું કહ્યું

બોમ્બે હાઇકોર્ટની ફાઇલ તસવીર

આજે શ્રી રામજન્મભૂમિ અયોધ્યામાં સાડાપાંચસો વર્ષ બાદ રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા થઈ રહી છે એના ઉપલક્ષમાં રાજ્ય સરકારે એક દિવસની રજા જાહેર કરી છે. સરકારના આ નિર્ણયને બૉમ્બે હાઈ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. ગઈ કાલે આ અરજી ફગાવતી વખતે બૉમ્બે હાઈ કોર્ટે કહ્યું હતું કે આ અરજી પબ્લિસિટી મેળવવા માટે રાજનીતિથી પ્રેરિત, ફાલતુ અને કોર્ટનો સમય બગાડનારી છે એટલે એ ફગાવી દેવામાં આવે છે. આથી રાજ્ય સરકારે જાહેર કરેલી રજા કાયમ રહેશે અને રાજ્યના લોકો ઘરે બેસીને પ્રાણપ્રતિષ્ઠા માણી શકશે.  

રાજ્ય સરકારે અયોધ્યામાં નિર્માણ કરવામાં આવેલા ભગવાન શ્રીરામના મંદિરની પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે એક દિવસની રજા જાહેર કરી છે એને લૉનો સ્ટડી કરી રહેલા ચાર સ્ટુડન્ટ્સે બૉમ્બે હાઈ કોર્ટમાં પડકારતી જનહિતની અરજી દાખલ કરી હતી. આ અરજીની ગઈ કાલે હાઈ કોર્ટમાં રવિવાર હોવા છતાં સ્પેશ્યલ સુનાવણી જસ્ટિસ જી. એસ. કુલકર્ણી અને જસ્ટિસ નીલા ગોખલેની ખંડપીઠ સમક્ષ હાથ ધરવામાં આવી હતી.

ખંડપીઠે આ અરજીનો ચુકાદો આપતાં કહ્યું હતું કે ‘કોર્ટનો દૃષ્ટિકોણ રહ્યો છે કે રજા જાહેર કરવાનો અધિકાર સરકારને છે. સરકારે આ નિર્ણય મનમાની રીતે નહીં પણ સેક્યુલરના સિદ્ધાંત મુજબ જ લીધો છે. દેશભરની જુદી-જુદી કોર્ટે આ વિશે મત વ્યક્ત કર્યો છે કે રજા જાહેર કરવાની નીતિના મામલામાં સરકારને અધિકાર છે. સરકારે મનમાની કરી હોવાનું પુરવાર કરવામાં અરજી કરનારા નિષ્ફળ રહ્યા છે. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારે રજા જાહેર કરવા વિશેનો કોઈ ચુકાદો નથી આપ્યો. આથી એવું જણાય છે કે આ અરજી પબ્લિસિટી મેળવવા માટે રાજકારણથી પ્રેરિત, ફાલતુ અને કોર્ટનો સમય બરબાદ કરનારી છે. લૉના સ્ટુડન્ટ્સ જેઓ કાયદાના ક્ષેત્રમાં હજી પ્રવેશ્યા નથી તેમણે અરજીમાં આરોપ કર્યા છે એ માની ન શકાય એવા છે. આથી અમારા મનમાં કોઈ શંકા નથી કે આ અરજી બીજા જ કોઈ કારણથી દાખલ કરવામાં આવી છે. આથી એ ફગાવી દેવામાં આવે છે.’

આવી અરજી કરનારાને કોર્ટ દ્વારા દંડ કરવામાં આવે છે, પણ હાઈ કોર્ટની ખંડપીઠે આવો કોઈ દંડ નહોતો કર્યો. ઉલ્લેખનીય છે કે શિવાંગી અગ્રવાલ, સત્યજિત સાળવે, વેદાંત અગ્રવાલ અને ખુશી બાંગિયા નામના લૉના ચાર સ્ટુડન્ટ્સે રાજ્ય સરકારે પ્રાણપ્રતિષ્ઠા માટે જાહેર કરવામાં આવેલી રજાને પડકારતી અરજી દાખલ કરી હતી.

સીએમ અને બન્ને ડેપ્યુટી સીએમ મંત્રીમંડળ સાથે રામોત્સવ બાદ અયોધ્યા દર્શને જશે

આજે અયોધ્યામાં સનાતન ધર્મ માટે સદીઓ બાદ ઐતિહાસિક ઘટના બની રહી છે એના સાક્ષી બનવા માટે દેશ-વિદેશથી અસંખ્ય મહેમાનો પધાર્યા છે ત્યારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સહિત તેમના પ્રધાનમંડળમાંથી કોઈ પણ અયોધ્યા નથી ગયું. એકનાથ શિંદેએ ગઈ કાલે કહ્યું હતું કે પ્રાણપ્રતિષ્ઠામાં અમુક લોકો સામેલ થાય એને બદલે રાજ્યનું આખું પ્રધાનમંડળ સહિત પક્ષના સંસદસભ્યો અને વિધાનસભ્યો એકસાથે રામલલ્લાનાં દર્શન કરે એવી ઇચ્છા છે એટલે અમારામાંથી મારા સહિત કોઈ અયોધ્યા નથી ગયું.

ayodhya ram mandir bombay high court mumbai news mumbai eknath shinde