26 September, 2024 07:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષય શિંદે
બદલાપુરની સ્કૂલની બે માસૂમ બાળકીઓનું શારીરિક શોષણ કરનારા આરોપી અક્ષય શિંદેનું પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં મૃત્યુ થયું હતું. આ ફેક એન્કાઉન્ટર છે અને એની તપાસ કરવાની માગણી કરતી અરજી અક્ષયના પિતા અણ્ણા શિંદેએ બૉમ્બે હાઈ કોર્ટમાં કરી છે. આ અરજીની ગઈ કાલે બૉમ્બે હાઈ કોર્ટનાં જસ્ટિસ રેવતી મોહિતે-ડેરે અને જસ્ટિસ પૃથ્વીરાજ ચવાણની ખંડપીઠ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ખંડપીઠે કહ્યું હતું કે ‘અક્ષય શિંદેના મૃત્યુની તપાસ યોગ્ય અને નિષ્પક્ષ રીતે થવી જોઈએ. ગોળી મારતાં પહેલાં પોલીસે શા માટે અક્ષય પર કાબૂ મેળવવાનો પ્રયાસ નહોતો કર્યો? પોલીસે હાથ કે પગને બદલે અક્ષય શિંદેના માથામાં કેમ ગોળી મારી? અક્ષયે પિસ્ટલ આંચકીને ફાયરિંગ કર્યું ત્યારે ત્રણ-ચાર પોલીસ હાજર હતી એટલે આસાનીથી અક્ષય પાસેથી પિસ્ટલ આંચકી શકાઈ હોત. અક્ષય બૉડી-બિલ્ડર કે એટલો બધો મજબૂત બાંધાનો નહોતો. આથી પોલીસ જે કહી રહી છે એ સ્વીકારવું મુશ્કેલ છે. આને કોઈ પણ રીતે એન્કાઉન્ટર ન કહી શકાય.’
અરજીની સુનાવણી વખતે ખંડપીઠે સરકારી વકીલને કહ્યું હતું કે માનસિક રીતે નબળી વ્યક્તિ પિસ્ટલ ઝડપથી અનલૉક ન કરી શકે એટલે આ કામ એટલું સરળ નથી. આ સાંભળીને સરકારી વકીલે દલીલ કરી હતી કે પોલીસ અધિકારીની પિસ્ટલ અનલૉક હતી. જસ્ટિસ પૃથ્વીરાજ ચવાણે કહ્યું હતું કે ‘આ માનવું મુશ્કેલ છે. પ્રાથમિક રીતે આમાં કંઈક ગરબડ જણાય છે. એક સામાન્ય માણસ પિસ્ટલથી ફાયરિંગ ન કરી શકે. આવું કરવા માટે તાકાત અને હિંમત જોઈએ.’
આટલું કહીને કોર્ટે પોલીસને એન્કાઉન્ટર સંબંધી તપાસનો આદેશ રજૂ કરવાનું કહીને સુનાવણી ૩ ઑક્ટોબર સુધી મુલતવી રાખી હતી.
અક્ષય શિંદેના પિતા અણ્ણા શિંદેએ મંગળવારે બૉમ્બે હાઈ કોર્ટમાં અરજી દાખલ કરીને માગણી કરી હતી કે અક્ષયને ફેક એન્કાઉન્ટરમાં મારી નાખવામાં આવ્યો છે એટલે આ મામલાની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા તપાસ કરવામાં આવે અને ફાયરિંગ કરનારા પોલીસ અધિકારીઓ પર ગુનો નોંધવામાં આવે.