19 April, 2024 08:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સમીર વાનખેડેની તસવીર
બૉમ્બે હાઈ કોર્ટે ગુરુવારે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB)ને સમીર વાનખેડે વિરુદ્ધ પ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગતો સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો હતો. મુંબઈ NCBના ભૂતપૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે જ્યારે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સંબંધી ડ્રગ્સ-કેસ અને અન્ય એક નાઇજીરિયન નાગરિક સંબંધી કેસની તપાસ કરતા હતા એ દરમ્યાન અનિયમિતતાની ફરિયાદ થઈ હતી. આ બે કેસના મામલે NCBએ પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. જસ્ટિસ રેવતી મોહિતે-ડેરે અને મંજૂષા દેશપાંડેની ડિવિઝન બેન્ચે NCBને એ માહિતી આપવા જણાવ્યું હતું કે વાનખેડે સામે શું ફરિયાદો છે અને ફરિયાદીઓ કોણ છે જેના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. વાનખેડેએ તેમની સામે NCBની તપાસને પડકારતી અરજી હાઈ કોર્ટમાં દાખલ કરી હતી અને સેન્ટ્રલ ઍડ્મિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલનો પણ સંપર્ક કર્યો હતો. કોર્ટે ઓવરલૅપિંગ વિશે પૂછતાં વાનખેડેના વકીલે જણાવ્યું હતું કે બન્ને અરજીઓ જુદી-જુદી નોટિસના મામલે કરવામાં આવી છે.