પ​બ્લિકને ફેરિયામુક્ત ફુટપાથ ક્યારે મળશે?

17 February, 2024 08:00 AM IST  |  Mumbai | Rohit Parikh

રાહદારીઓ અને વેપારીઓ ગેરકાયદે હૉકર્સ ​વિરુદ્ધ ઘણા વખતથી લડત ચલાવી રહ્યા છે અને પોલીસ, મહાનગરપા​લિકા તથા કોર્ટ પણ તેમને સપોર્ટ આપતાં હોવા છતાં એનો ઉકેલ નથી આવી રહ્યો : હવે તો ફે​રિયાઓ મારામારી અને તોડફોડ કરવા પર પણ ઊતરી આવ્યા હોવાની થઈ રહી છે ફરિયાદ

અખિલ ઘાટકોપર વ્યાપારી મંડળ તરફથી ઘાટકોપર-વેસ્ટની બધી જ દુકાનો પર ફે‌રિયાઓને સૂચના આપતાં લાગેલાં બૅનરો.

 મુંબઈ હાઈ કોર્ટે હજી બે દિવસ પહેલાં જ મુંબઈ મહાનગરપાલિકાને પૂછ્યું હતું કે મુંબઈમાં ફેરિયાઓની શહેરવ્યાપી સમસ્યા છે અને આ સમસ્યાને દૂર કરવા મુંબઈ મહાનગરપાલિકા પાસે એવી કોઈ યોજના છે જેથી ફુટપાથ અને રસ્તાઓ પર રાહદારીઓની અવરજવર અવરોધાય નહીં.

બોરીવલી-ઈસ્ટના બે દુકાનદારોએ તેમની દુકાનો સામે ગેરકાયદે રીતે સ્ટૉલ આવવાથી કરેલી ફરિયાદ સામે હાઈ કોર્ટમાં સુનાવણી દરમિયાન ન્યાયમૂર્તિ ગૌતમ એસ. પટેલ અને કમલ આર. ખાટાની ડિવિઝન બેન્ચે મુંબઈ મહાનગરપાલિકાને કહ્યું હતું કે ‘મુંબઈ મહાનગરપાલિકાએ ખાતરી કરવી જોઈએ કે રસ્તાઓ અને ફુટપાથ વાસ્તવમાં ચાલવાયોગ્ય છે કે નહીં? આ માટે મહાનગરપાલિકાએ ગેરકાયદે ફેરિયાઓને ફુટપાથ પરથી હટાવીને સિનિયર સિટિઝનો અને દિવ્યાંગો સ‌હિતના રાહદારીઓ માટે ફુટપાથોને ફેરિયામુક્ત કરવી જોઈએ.’

મુંબઈના ફેરિયાઓ સામે કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. એ જ અરસામાં ઘાટકોપર-વેસ્ટના મહાત્મા ગાંધી રોડ પર આવેલા અગ્રવાલ જૂસ ઍન્ડ ભેલપૂરી સેન્ટરની બહાર બેઠેલા ફેરિયાઓ સામે મહાનગરપાલિકાના ‘એન’ વૉર્ડમાં જૂસ સેન્ટરના માલિકે ફરિયાદ કર્યા બાદ અતિક્રમણ વિભાગે તરત જ આ ફેરિયાઓ સામે ઍક્શન લેતાં આ ફેરિયાઓએ આ દુકાનદારના વિરોધમાં હંગામો મચાવ્યો હતો તેમ જ આ જૂસ ઍન્ડ ભેલપૂરી સેન્ટરના માલસામાનને રસ્તા પર ફેંકીને દુકાનદારને નુકસાન પહોંચાડ્યું હતું.

ઘાટકોપરમાં છેલ્લા ચાર-પાંચ મહિનાથી અખિલ ઘાટકોપર વ્યાપારી મંડળ અને ઘાટકોપરના રહેવાસીઓએ ઘાટકોપર-વેસ્ટના ફેરિયાઓને હટાવવાની ઝુંબેશ ઉપાડી છે. ઘાટકોપરના રેલવે સ્ટેશનના ૧૦૦ મીટરમાં આવેલી ખોત લેન, મહાત્મા ગાંધી રોડ, શ્રદ્ધાનંદ રોડ, હીરાચંદ દેસાઈ રોડના રસ્તાઓ અને ફુટપાથ ફેરિયામુક્ત કરવાની હાકલ કરવામાં આવી છે. એને પરિણામે  ‘એન’ વૉર્ડના અતિક્રમણ વિભાગના અધિકારીઓ અને ઘાટકોપર પોલીસ દુકાનદારોની ફરિયાદ મળતાં જ ઍક્શનમાં આવી જાય છે અને ફે‌રિયાઓને હટાવવાની કાર્યવાહી કરે છે. આ હાકલ પછી અખિલ ઘાટકોપર વ્યાપારી મંડળ તરફથી ઘાટકોપર-વેસ્ટની બધી જ દુકાનો પર ફે‌રિયાઓને સૂચના આપતાં બૅનરો લગાવવામાં આવ્યાં છે, જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ દુકાન સામેની ફુટપાથ અને ખાલી જગ્યા ફેરીવાળાઓને બેસવા માટે નથી એટલે આ જગ્યા પર કોઈ પણ ફેરીવાળાઓને બેસવું નહીં, નહીં તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઘાટકોપરના બધા જ રહેવાસીઓ ઘાટકોપર રેલવે સ્ટેશનના પરિસરને ફેરિયામુક્ત કરવાના અમારા અભિયાનમાં અમારા સહભાગી બને. આમ છતાં ઘાટકોપરમાં મહાનગરપાલિકા, પોલીસ અને ફેરિયાઓની સંતાકૂકડીનો અંત આવતો નથી.

આ હાકલ અને ઝુંબેશ દરમિયાન ગુરુવારે રાતના સવાઆઠ વાગ્યાની આસપાસ ઘાટકોપર-વેસ્ટના શ્રદ્ધાનંદ રોડ પર આવેલા અગ્રવાલ જૂસ ઍન્ડ ભેલપૂરી સેન્ટરની બહાર બેઠેલા ફેરિયાઓ સામે આ સેન્ટરના માલિકે ‘એન’ વૉર્ડમાં ફરિયાદ કરી હતી. આ બાબતની માહિતી આપતાં આ સેન્ટરના માલિક ૪૦ વર્ષના બિ​પિન ગુપ્તા ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી દુકાનની બહાર જ નરેન્દ્ર અને તેની સાથે કેસરી અને કાજલ નામની બે મહિલાઓએ કપડાંની ફેરી લગાડી હતી. આથી મેં તરત જ આ બાબતની ફરિયાદ ‘એન’ વૉર્ડમાં કરી હતી. એને પરિણામે ‘એન’ વૉર્ડના અતિક્રમણ વિભાગે આવીને મારી દુકાનની બહાર બેઠેલા નરેન્દ્ર, કેસરી અને કાજલ નામના ફેરિયાઓનો સામાન જપ્ત કરીને તેમને હટાવવાની કાર્યવાહી કરી હતી. એનાથી આ ત્રણે ફેરિયાઓ ઉશ્કેરાયા હતા અને તેમણે મને ગાળો આપવાની શરૂઆત કરતાં કહ્યું હતું કે તને એકલાને જ શું અમારો કાયમ ત્રાસ થાય છે? એમ કહીને મને દમદાટી આપવાની શરૂઆત કરીને તેમણે રસ્તા પર હંગામો મચાવી દીધો હતો તથા તને અમે જોઈ લઈશું જેવી ધમકી પણ આપવા લાગ્યા હતા. મારી દુકાનની સામે ઊભા રહીને તેમણે મારી અવરજવર બંધ કરી દીધી હતી. પછી વધુ ઉશ્કેરાઈને તેમણે મારા સ્ટૉલ અને કાઉન્ટર પર પડેલાં પાણીપૂરીનાં પૅકેટો રોડ પર ફેંકીને મારા માલસામાનને નુકસાન પહોંચાડ્યું હતું. આખો મામલો સીસીટીવી કૅમેરામાં કેદ થયો છે. એની ફરિયાદ મેં ઘાટકોપર પોલીસ-સ્ટેશનમાં નોંધાવી છે.’

બિપિન ગુપ્તાએ વધુમાં કહ્યું હતું કે ‘અમે દુકાનદારો અને વેપારીઓએ ઘણા સમયથી ફેરિયાઓ સામે ઝુંબેશ શરૂ કરી છે. એને કારણે જ મારી હોટેલ પર ફેરિયાઓએ હુમલો કર્યો છે. અમુક કમ્યુનિટીના લોકો આ ફેરિયાઓના એજન્ટ છે જેઓ ફેરિયાઓ પાસેથી હપ્તા લઈને તેમને સ્ટેશનની આસપાસના પ‌રિસરોમાં બિઝનેસ કરવા માટે સપોર્ટ કરે છે. એનાથી દુકાનદારો અને રાહદારીઓ બંનેને ત્રાસ થાય છે. હવે પોલીસ અને મહાનગરપાલિકા ઍક્શનમાં આવતાં આ ફેરિયાઓ મારામારી અને તોડફોડ કરવા લાગ્યા છે. તેમના પર કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ.’
અમે ફે‌રિયાઓને અમારી દુકાનની બહાર ન બેસવાની ચેતવણી આપતાં બૅનરો લગાડ્યા પછી પણ એના પર ધારી અસર થઈ નથી એમ જણાવતાં સ્થાનિક દુકાનદારોએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે કોઈ પણ ભોગે રેલવે સ્ટેશનની આસપાસના વિસ્તારોને ફેરિયામુક્ત કરીને જંપીશું. આજે નહીં લડીએ તો ભવિષ્યની પેઢીને શું જવાબ આપીશું એવા આક્રોશ સાથે ઘાટકોપરવાસીઓએ હવે જનઆંદોલન અને કાયદાકીય લડત લડવાનો નિર્ધાર કર્યો છે. આ લડતમાં ફેરિયાઓની દાદાગીરીથી ત્રાસી ગયેલા વેપારીઓ પણ જોડાશે. પહેલાં અમે શાંત બેસતા હતા, પણ હવે અમે જેવા અમારી દુકાનોની બહાર ફેરિયાઓ કબજો કરવાની શરૂઆત કરે કે તરત જ પોલીસ અને મહાનગરપાલિકામાં ફરિયાદ કરીએ છીએ. અમારી ફરિયાદ મળતાં જ પોલીસ અને મહાનગરપાલિકા ઍક્શનમાં આવી જાય છે. આવો જ સહકાર મળતો રહે તો ઘાટકોપર-વેસ્ટના રેલવે સ્ટેશનના ૧૦૦ મીટરમાં આવેલી ખોત લેન, મહાત્મા ગાંધી રોડ, શ્રદ્ધાનંદ રોડ, હીરાચંદ દેસાઈ રોડના રસ્તાઓ અને ફુટપાથ ફેરિયામુક્ત ચોક્કસ થશે એવો અમને વિશ્વાસ છે.’

mumbai news mumbai bombay high court brihanmumbai municipal corporation ghatkopar