10 December, 2022 09:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બૉમ્બે હાઈ કોર્ટે શુક્રવારે નૅશનલ હાઈ સ્પીડ રેલ કૉર્પોરેશન (એનએચએસઆરસીએલ)ને મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે શહેર અને નજીકના પાલઘર અને થાણે જિલ્લાઓનાં આશરે ૨૦,૦૦૦ મૅન્ગ્રોવ્ઝનાં વૃક્ષો કાપવાની પરવાનગી આપી હતી.
ચીફ જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ અભય આહુજાની ડિવિઝન બેન્ચે મૅન્ગ્રોવ્ઝનાં વૃક્ષો કાપવાની પરવાનગી માગતી એનએચએસઆરસીએલ દ્વારા દાખલ કરવામાં આવેલી યાચિકા મંજૂર કરી હતી.
૨૦૧૮ના હાઈ કોર્ટના આદેશ અનુસાર રાજ્યભરમાં મૅન્ગ્રોવ્ઝ કાપવાની કડક મનાઈ છે અને જ્યારે પણ ઑથોરિટી જાહેર પ્રોજેક્ટ માટે મૅન્ગ્રોવ્ઝ કાપવા ઇચ્છે ત્યારે એણે હાઈ કોર્ટ પાસેથી પરવાનગી લેવી જરૂરી છે.
એનએચએસઆરસીએલે ૨૦૨૦માં યાચિકામાં મૅન્ગ્રોવ્ઝ કાપવા સામે પાંચગણા મૅન્ગ્રોવ્ઝ વાવવાની ખાતરી આપી હતી, જેની સામે બૉમ્બે એન્વાયર્નમેન્ટ ઍક્શન ગ્રુપ નામના એનજીઓએ આક્ષેપો કરીને વિરોધ નોંધાવ્યો હતો, પણ એનએચએસઆરસીએલે એનજીઓના આક્ષેપો નકારી કાઢીને આ પ્રોજેક્ટ માટે વૃક્ષો કાપવા જરૂરી મંજૂરીઓ મેળવી હોવાનો દાવો કરીને આદેશ અનુસાર રોપા વાવીને કાપેલાં વૃક્ષોથી થયેલા નુકસાનને સરભર કરવાની ખાતરી આપી હતી.