કિંગ જ્યૉર્જ હૉસ્પિટલમાં અતિક્રમણ અંગે હાઈ કોર્ટે બીએમસી પાસે જવાબ માગ્યો

08 December, 2023 09:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોર્ટે બીએમસીને હૉસ્પિટલના પરિસરમાં શું મળ્યું એની વિગતો આપીને સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

પ્રતીકાત્મક તસવીર

બૉમ્બે હાઈ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે કે સેન્ટ્રલ મુંબઈમાં કિંગ જ્યૉર્જ વી. મેમોરિયલ હૉસ્પિટલની અંદર અતિક્રમણ જો વધી જશે તો ભવિષ્યમાં સમગ્ર હૉસ્પિટલને સ્લમ સ્કીમમાં ફેરવવી પડી શકે છે.

જસ્ટિસ ગૌતમ પટેલ અને કમલ ખાટાની ડિવિઝન બેન્ચે કહ્યું હતું કે એ બીએમસી પાસેથી એ જાણવા માગે છે કે શું સેન્ટ્રલ મુંબઈમાં હૉસ્પિટલના કમ્પાઉન્ડમાં કોઈ અનધિકૃત કે ગેરકાયદે અતિક્રમણ છે કે નહીં? બેન્ચે ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત હૉસ્પિટલને અતિક્રમણથી દૂર રાખવા માટે ફૅન્સિંગ સામે આપવામાં આવેલી નોટિસ પર વચગાળાનો સ્ટે પણ મંજૂર કર્યો હતો. આ નોટિસ ડિસેમ્બર ૨૦૨૧ અને માર્ચ ૨૦૨૨માં જારી કરવામાં આવી હતી જેમાં હૉસ્પિટલ ટ્રસ્ટ દ્વારા એના કમ્પાઉન્ડ પરની ફૅન્સિંગને દૂર કરવાનો નિર્દેશ હતો.

કોર્ટે બીએમસીને હૉસ્પિટલના પરિસરમાં શું મળ્યું એની વિગતો આપીને સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. હૉસ્પિટલ ટ્રસ્ટે અરજીમાં જણાવ્યું હતું કે ફૅન્સિંગ જરૂરી છે, કારણ કે ટ્રસ્ટના મોટા ભાગની જમીન પર ગેરકાયદે અતિક્રમણ કરવામાં આવ્યું હતું. કોર્ટે આ મામલાની વધુ સુનાવણી ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ રાખી છે.

bombay high court brihanmumbai municipal corporation mumbai mumbai news