14 December, 2022 09:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
બૉમ્બે હાઈ કોર્ટે મની લૉન્ડરિંગ કેસમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન નવાબ મલિકની જામીનઅરજીની તાકીદે સુનાવણી કરવાનો મંગળવારે ઇનકાર કરી દીધો હતો.
જસ્ટિસ એમ. એસ. કર્ણિકની બેન્ચે યાચિકાની તાકીદે સુનાવણી માટેની વિનંતી નામંજૂર કરી હતી અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)ને અરજી વિશેનો એનો પ્રતિભાવ બે સપ્તાહમાં રજૂ કરવા હુકમ કર્યો હતો. આ મામલાની આગામી સુનાવણી છઠ્ઠી જાન્યુઆરીએ હાથ ધરાશે.
મંગળવારે જસ્ટિસ એમ. એસ. કર્ણિકે નવાબ મલિકના વકીલ અમિત દેસાઈને સૌપ્રથમ આ મામલાની તાકીદે સુનાવણી માટેની જરૂરિયાત સ્પષ્ટ કરવા જણાવ્યું હતું. એ પછી અમિત દેસાઈએ અદાલતને એનસીપીના સિનિયર નેતાના સ્વાસ્થ્ય વિશે જાણ કરી હતી.
નેતાની ફક્ત એક કિડની જ કામ કરે છે અને તાત્કાલિક ટ્રાન્સપ્લાન્ટ કરાવવું જરૂરી છે. વળી તેમના પરિવારજનો ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા શરૂ કરાવવા ઇચ્છતા હોવાથી એ માટે ટેસ્ટ્સ અને સ્પેશ્યલિસ્ટ્સ સાથે મીટિંગ ગોઠવવાની જરૂર પડી શકે છે એમ વકીલે જણાવ્યું હતું. જજે કેવા પ્રકારની ટ્રીટમેન્ટ કરવાની રહેશે એવો સવાલ અમિત દેસાઈને કર્યો હતો અને એ પછી ઈડી પાસેથી જવાબ માગીને આદેશ આપવામાં આવશે એમ જણાવ્યું હતું.