07 August, 2024 01:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
રાજ્ય સરકારની જમીન પર કલ્યાણ-ડોમ્બિવલીમાં ગેરકાયદે ઊભાં કરી દેવાયેલાં સ્ટ્રક્ચર્સ બાબતે ૨૦૨૦માં બૉમ્બે હાઈ કોર્ટમાં નોંધાયેલી જનહિતની એક અરજીની સુનાવણી ચાલી રહી છે. એ સુનાવણી અંતર્ગત તહસીલદારે ઍફિડેવિટ દાખલ કરીને કોર્ટને જણાવ્યું હતું કે ૧૧૮ હેક્ટર સરકારી જમીન પર અતિક્રમણ થયાં છે અને એ દૂર કરવા તેઓ પૂરતા પ્રયાસ કરી રહ્યા છે.
બૉમ્બે હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ ડી. કે. ઉપાધ્યાય અને જસ્ટિસ અમિત બોરકરે કહ્યું હતું કે ‘ઍફિડેવિટમાં તમે માત્ર એટલું કહ્યું છે કે સરકારી જમીન પર અતિક્રમણ થયાં છે અને એ હટાવવા તમે પ્રયાસ કરી રહ્યા છો. ૨૦૨૦થી એ હટાવવા તમે શું પ્રયાસ કર્યા એ તો જણાવ્યું જ નથી. કેટલા વિસ્તારમાંથી અતિક્રમણ તમે હટાવ્યાં અને એ માટે કેટલાં અતિક્રમણ તોડી પાડ્યાં એની વિગતો આવતાં બે અઠવાડિયાંમાં ઍફિડેવિટ નોંધાવીને જણાવો.’
કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા જણાવાયું છે કે તેમણે આઠ ગેરકાયદે બિલ્ડિંગ શોધી કાઢ્યાં છે અને એ હટાવવા એમની સામે કાર્યવાહી ચાલુ કરી છે.