11 January, 2025 01:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બોમ્બે હાઈ કોર્ટની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
નવી મુંબઈમાં યોજાનારી બ્રિટિશ બૅન્ડ કોલ્ડપ્લેની ઇવેન્ટની ટિકિટો બ્લૅક માર્કેટમાં વેચાઈ હોવાનું કહી એના જેવી અન્ય ઇવેન્ટોમાં પણ એ પ્રકારની ગોલમાલ થતી હોવાથી એના પર અંકુશ મૂકવા ગાઇડલાઇન બનાવવામાં આવે એવી માગણી કરતી જનહિતની અરજી બૉમ્બે હાઈ કોર્ટે ફગાવી દીધી હતી. કોર્ટે આ બાબતે કહ્યું છે કે આ કામ વિધિમંડળનું છે, ગાઇડલાઇન બનાવવાનું અમારા અખત્યાર હેઠળ આવતું નથી.
અરજી કરનાર ઍડ્વોકેટ અમિત વ્યાસે પોતાની અરજીમાં કહ્યું હતું કે ‘લાઇવ શો, ઇવેન્ટ્સ, ઇન્ડિયન પ્રીમિયર લીગની મૅચ, વર્લ્ડ કપની મૅચ અને કૉન્સર્ટ્સની ટિકિટોના વેચાણમાં અનેક ગેરરીતિઓ જોવા મળે છે. આ બાબતનો ત્યારે ખુલાસો થયો જ્યારે કોલ્ડપ્લેની ટિકિટોનું ઑનલાઇન વેચાણ કરતા બુક માય શો પર બુકિંગ ખૂલતાંની સાથે જ ગણતરીની મિનિટોમાં વેચાઈ ગઈ હતી અને એ પછી એ ફુલ બતાવી રહ્યું હતું; જ્યારે બીજી વેબસાઇટો પર એ છૂટથી ઊંચા ભાવે વેચાતી હતી એટલું જ નહીં, શોના દિવસે પણ બહુ ઊંચા ભાવે એ ટિકિટો અવેલેબલ હોવાનું બીજી વેબસાઇટો દર્શાવી રહી હતી. આમ એ ટિકિટોનું બ્લૅક-માર્કેટિંગ કરવામાં આવ્યું હતું. એથી આવું ફરી ન થાય એ માટે ગાઇડલાઇન બનાવવામાં આવે.’
કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી પણ કહ્યું હતું કે ગાઇડલાઇન બનાવવવાનું સરકારનું કામ છે, અરજદાર સરકાર કે પછી એની સમકક્ષ હોય એવી ઑથોરિટી સમક્ષ રજૂઆત કરી શકે છે.