02 March, 2023 09:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
બૉમ્બે હાઈ કોર્ટે બુધવારે જણાવ્યું હતું કે નવજાતનો અર્થ ફુલ-ટર્મ બેબી અને પ્રી-ટર્મ બેબી બંને થાય છે. કોર્ટે મુંબઈની એક મહિલાનાં પ્રી-મૅચ્યોર ટ્વિન બાળકોની સારવાર માટે ઇન્શ્યૉરન્સ કંપનીને તબીબી ખર્ચ માટે ૧૧ લાખ રૂપિયાની ચુકવણી કરવાનો નિર્દેશ આપતાં આ વાત કહી હતી.
જસ્ટિસ ગૌતમ પટેલ અને નીલા ગોખલેની ડિવિઝન બેન્ચે ન્યુ ઇન્ડિયા અશ્યૉરન્સ કંપનીને ક્લેમ ચૂકવવો ન પડે એ હેતુથી વીમા પૉલિસીમાં કલમોનું ખોટું અર્થઘટન કરવા બદલ મહિલાને પાંચ લાખ રૂપિયાની વધારાની રકમ ચૂકવવાનો પણ નિર્દેશ આપ્યો હતો. કોર્ટે નોંધ્યું કે ઇન્શ્યૉરન્સ કંપનીનો અભિગમ ‘ગેરવાજબી, અન્યાયી અને વીમા પૉલિસીની મૂળભૂત અત્યંત સદ્ભાવના નીતિની વિરુદ્ધ’ હતો. હાઈ કોર્ટે કહ્યું હતું કે આવી રજૂઆત અત્યંત ગંભીર છે અને એને સફળ થવા ન દઈ શકાય.
મહિલા એક લિગલ પ્રૅક્ટિશનર છે તેણે ઇન્શ્યૉરન્સ કંપની વિરુદ્ધ ૨૦૨૧માં હાઈ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. ત્યારે કંપનીએ તેના ક્લેમને એ આધાર પર નકારી કાઢ્યો હતો કે આ પૉલિસી ફક્ત એવાં નવજાત બાળકો માટે છે જે ફુલ-ટર્મ હોય, પ્રી-ટર્મ નહીં.
મહિલાએ તેની અરજીમાં જણાવ્યું હતું કે વીમા કંપની દ્વારા તેના ક્લેમનો સ્વીકાર ન થવો એ ઇન્શ્યૉરન્સ રેગ્યુલેટરી ઍન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (IRDAI)ની ગાઇડલાઇનની વિરુદ્ધ છે. પિટિશનમાં કહેવામાં આવ્યું કે નવજાત અને પ્રી-મૅચ્યોર બાળકો વચ્ચે કોઈ તર્કસંગત વર્ગીકરણ નથી કે સમજી શકાય એવો તફાવત નથી.
ઇન્શ્યૉરન્સ કંપનીએ અરજીનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે ટ્વિન્સમાં તેમના પ્રી-મૅચ્યોર બર્થને કારણે કૉમ્પ્લિકેશન્સ થયાં છે, જે એક ફુલ-ટર્મ બેબીમાં ન જોવા મળ્યાં હોત.
જોકે ખંડપીઠે આ દલીલ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને જણાવ્યું હતું કે ઇન્શ્યૉરન્સ કંપની દ્વારા અરજીકર્તાના ક્લેમનો અસ્વીકાર એ કાયદાની વિરુદ્ધ, ગેરવાજબી અને મનસ્વી છે. કોર્ટે કહ્યું હતું કે ‘ન્યુ બૉર્ન અને પ્રી-મૅચ્યોર બેબી વચ્ચેનો તફાવત પાયાવિહોણો છે, કારણ કે નવજાત બાળક ફુલ-ટર્મ અથવા પ્રી-ટર્મ હોઈ શકે છે.’
ખંડપીઠે એ પણ નોંધ્યું હતું કે આને લીધે અરજીકર્તા, એક યુવાન માતા અને પ્રોફેશનલને આ બાબતને એના તાર્કિક નિષ્કર્ષ પર લાવવા માટે નોંધપાત્ર ટ્રાયલ, મુશ્કેલીઓ અને લિટિગેશન પ્રોસેસમાંથી પસાર થવું પડ્યું છે. કોર્ટે ઉમેર્યું હતું કે ઇન્શ્યૉરન્સ કંપનીમાં વિશ્વાસ મૂકવાનો ઉદ્દેશ મુખ્યત્વે માનવજીવનને જોખમો સામે રક્ષણ પૂરું પાડવાનો છે, જે પૉલિસીની શરતો પ્રમાણે પ્રીમિયમના સ્વરૂપમાં ચુકવણી કરીને થાય છે. કોર્ટે કોઈ રીતે વીમા કંપનીને સંપૂર્ણ રકમ ચાર અઠવાડિયાંના સમયગાળામાં ચૂકવવાનો આદેશ આપ્યો છે.
અરજી મુજબ મહિલાએ ૨૦૦૭માં ન્યુ ઇન્ડિયા અશ્યૉરન્સ કંપની પાસેથી ૨૦ લાખ રૂપિયામાં બે મેડિક્લેમ પૉલિસી લીધી હતી, જે સમયાંતરે રિન્યુ કરવામાં આવી હતી. સપ્ટેમ્બર ૨૦૧૮માં મહિલાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો જે પ્રી-મૅચ્યોર હતાં. અરજદારે તેની સારવારના ખર્ચપેટે વીમા કંપનીને ૧૧ લાખ રૂપિયાનો દાવો કર્યો હતો જેને કંપનીને નકાર્યો હતો.