31 July, 2023 05:23 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ તસવીર
બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court)ની ઔરંગાબાદ બેન્ચે સગીરાને ગર્ભપાત કરાવવાની મંજૂરી આપી ન હતી. સાથે જ કોર્ટે કહ્યું કે જો કોઈ છોકરીએ પરસ્પર સંમતિથી સંબંધ બાંધ્યો હોય તો બાળકનો જન્મ થવો જોઈએ. આ સિવાય કોર્ટે એમ પણ કહ્યું કે જો અરજદારને આ વિશે પહેલાથી જ ખબર હોત તો તે પહેલાથી જ ગર્ભપાતની મંજૂરી લઈ શકી હોત પરંતુ તેણે તેમ કર્યું નથી.
બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ બેન્ચે 17 વર્ષની છોકરીને તેની 24 સપ્તાહના ગર્ભને નાશ કરવાની મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો છે. આ સાથે જ કોર્ટે એમ પણ જણાવ્યું છે કે, “આ સહમતિથી બનેલા સંબંધનું પરિણામ છે અને આ સ્થિતિમાં બાળકનો જન્મ થવો જોઈએ, ગર્ભપાત કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.”
જસ્ટિસ રવિન્દ્ર ઘુગે અને જસ્ટિસ વાયજી ખોબરાગડેની ડિવિઝન બેન્ચે 26 જુલાઈના રોજ આ મુદ્દે પોતાનો આદેશ આપ્યો હતો. આ આદેશમાં તેઓએ કહ્યું છે કે છોકરી આ મહિને 18 વર્ષની થઈ જશે અને તે ડિસેમ્બર 2022થી છોકરા સાથે સહમતિથી સંબંધમાં હતી.
તેમ જ કોર્ટ દ્વારા આપવામાં આદેશમાં કહેવામાં આવ્યું છે કે પીડિત છોકરી અને આરોપી છોકરા વચ્ચે ઘણી વખત શારીરિક સંબંધો બન્યા હતા. છોકરી પોતે પ્રેગ્નન્સી કીટ લાવી હતી અને આ વર્ષે ફેબ્રુઆરીમાં પ્રેગ્નન્સીની પુષ્ટિ કરી હતી.
આ સમગ્ર કેસનું હાઈકોર્ટે અવલોકન કર્યું હતું. હાઇકોર્ટે આપેલ પોતાના નિવેદનમાં સામે આવ્યું છે કે, “એવું લાગે છે કે અરજદાર-પીડિતા નિર્દોષ નથી અને તેણે સમજણ સંપૂર્ણ ગર્ભ બાંધ્યો હતો. જો અરજદારને ગર્ભધારણ કરવામાં રસ ન હોય તો તે ગર્ભાવસ્થાની પુષ્ટિ થયા પછી તરત જ ગર્ભપાતની પરવાનગી માંગી શકતી હતી.”
આ પીડિત છોકરીએ પોતાની માતા દ્વારા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. જેમાં પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ (POCSO) એક્ટની જોગવાઈઓ હેઠળ પોતાની જાતને બાળક હોવાનો દાવો કરીને ગર્ભાવસ્થા નાશ કરવા માટે માંગણી કરવામાં આવી હતી.
જો એવું જણાય કે ગર્ભાવસ્થા માતા અથવા બાળકના જીવન અથવા સ્વાસ્થ્ય માટે જોખમી છે ત્યારે મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી એક્ટ હેઠળ 20 અઠવાડિયાથી વધુ સમયની સગર્ભાવસ્થાને સમાપ્ત કરવા માટે કોર્ટની પરવાનગી જરૂરી હોય છે.
હાઈકોર્ટે ઉમેર્યું હતું કે, "જો બાળક ગર્ભાવસ્થાનો સંપૂર્ણ સમયગાગાળો થઈ ગયા પછી જન્મે છે, તો તેમાં કોઈ ખોડ રહેતી નથી. અને આમ કરવામાં આવે તો ભવિષ્યમાં કોઈ તેને દત્તક લઈ શકે તેવી સંભાવના છે. છોકરીને એવી સામાજિક સંસ્થામાં મૂકી શકાય છે જે બાળકના જન્મ સુધી આવી ગર્ભવતી મહિલાઓની સંભાળ રાખે છે.”