નવા વર્ષની પૂર્વસંધ્યાએ મુંબઈમાં બૉમ્બની ધમકી આપનાર પકડાયો

01 January, 2023 08:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આરોપી નરેન્દ્ર કાવલેએ શુક્રવારે રાતના ૮.૫૬થી ૯.૨૦ વાગ્યા વચ્ચે પોલીસ કન્ટ્રોલ રૂમને કૉલ કર્યા બાદ મધ્ય મુંબઈના ધારાવીથી તેની ધરપકડ કરવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

મુંબઈ (પી.ટી.આઇ.) : નવા વર્ષની પૂર્વસંધ્યાએ મેગાપોલીસ સહિત કેટલાંક સ્થળોએ બૉમ્બ મૂકવાની ધમકી આપનારી વ્યક્તિની મુંબઈમાંથી ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે ગઈ કાલે જણાવ્યું હતું.

આરોપી નરેન્દ્ર કાવલેએ શુક્રવારે રાતના ૮.૫૬થી ૯.૨૦ વાગ્યા વચ્ચે પોલીસ કન્ટ્રોલ રૂમને કૉલ કર્યા બાદ મધ્ય મુંબઈના ધારાવીથી તેની ધરપકડ કરવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. નરેન્દ્ર કાવલેએ કન્ટ્રોલ રૂમમાં જણાવ્યું હતું કે ‘શુક્રવારે રાત્રે તથા શનિવારે શહેરમાં ત્રણથી ચાર સ્થળોએ બૉમ્બવિસ્ફોટ થશે. ઉત્તર પ્રદેશના આઝમગઢથી અઝહર હુસૈન ત્રણથી ચાર શસ્ત્રો અને બ્લાસ્ટ કરવા માટે આરડીએક્સ લઈને રવાના થઈ ગયો છે.’

પ્રથમદર્શી રીતે નરેન્દ્ર કાવલે દારૂના નશા અસર હેઠળ ફોન કરી રહ્યો હતો. ફોન મળ્યા બાદ પોલીસે નંબર ટ્રેસ કરતાં તે મધ્ય મુંબઈના ધારાવી વિસ્તારમાંથી કરાયો હોવાનું જણાયા બાદ નરેન્દ્ર કાવલેની ધરપકડ કરાઈ હતી. નરેન્દ્ર કાવલે વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

મુંબઈ નવા વર્ષને આવકારવા માટે સજ્જ છે. પોલીસે ગેટવે ઑફ ઇન્ડિયા, જુહુ બીચ, મરીન ડ્રાઇવ અને ગિરગામ ચોપાટી જેવાં જાણીતાં સ્થળો સહિત શહેરમાં આકરી સુરક્ષાનો બંદોબસ્ત કર્યો છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ૧૦,૦૦૦ પોલીસ કૉન્સ્ટેબલ, ૧૫૦૦ ઑફિસર, ૨૫ ડેપ્યુટી કમિશનર અને સાત ઍડિશનલ પોલીસ કમિશનર તહેનાત કરાયા છે. આ ઉપરાંત એસઆરપીએફની ૪૬ ટુકડીઓ, રાયટ્સ કન્ટ્રોલ પોલીસની ત્રણ યુનિટ તેમ જ ૧૫ ક્વિક રિસ્પૉન્સ ટીમ તહેનાત કરાઈ છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું મુખ્યાલય ઉડાડવાની ધમકી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના નાગપુરમાં આવેલા મુખ્યાલયને પણ ગઈ કાલે બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. એક અજાણી વ્યક્તિએ ફોન કરીને ધમકી આપતાં નાગપુર પોલીસે તપાસ શરૂ કરી છે. ધમકીને પગલે સંઘના મુખ્યાલયની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ સંઘના મુખ્યાલયને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ આપવામાં આવી હતી, જે બાદમાં પોકળ નીકળી હતી. 

mumbai mumbai news mumbai police