વિમાનોમાં બૉમ્બ હોવાની અસંખ્ય ધમકીઓ : એક સગીર મુંબઈ પોલીસની અટકાયતમાં

17 October, 2024 08:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મિત્રને ફસાવવા માટે તેના નામે સોશ્યલ મીડિયા પર બનાવટી અકાઉન્ટ બનાવીને ધમકી આપી

પ્રતીકાત્મક તસવીર

વિમાનોમાં બૉમ્બ મૂકવાની ધમકી આપવાના આરોપમાં મુંબઈ પોલીસે છત્તીસગઢના રાજનાંદગાંવમાં રહેતા ૧૭ વર્ષના સગીરને અટકમાં લીધો છે. તેણે સ્કૂલ છોડી દીધી છે અને આ ધમકીઓ તેણે તેના એક મિત્રને ફસાવવા માટે આપી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. તેને મિત્ર સાથે પૈસા બાબતે ઝઘડો ચાલતો હતો અને તેણે સોશ્યલ મીડિયા ઍક્સ પર તેના મિત્રના નામે બનાવટી અકાઉન્ટ તૈયાર કર્યું હતું અને એ અકાઉન્ટથી તે ધમકીની પોસ્ટ કરતો હતો.

મંગળવારે મુંબઈ પોલીસે તેના પિતાને પૂછપરછ માટે બોલાવ્યા હતા. સગીરને બાળ સુધાર ગૃહમાં મોકલી દેવામાં આવ્યો છે. પોલીસ આ કેસમાં એ શોધી રહી છે કે આ ધમકીઓ પાછળ કોનો-કોનો હાથ હોઈ શકે.

છેલ્લા ત્રણ દિવસમાં ૧૯ વિમાનોમાં બૉમ્બ મૂકવામાં આવ્યા હોવાની ધમકીઓ મળી ચૂકી છે અને તપાસ કરતાં એ તમામ જૂઠી હોવાનું સાબિત થયું છે. ગઈ કાલે અકાસા ઍરની દિલ્હીથી બૅન્ગલોર જતી ફ્લાઇટ અને ઇન્ડિગો ઍરલાઇન્સની દિલ્હી-મુંબઈ ફ્લાઇટમાં પણ બૉમ્બ મૂકવાની ધમકી મળી હતી. અકાસા ઍરની ફ્લાઇટને પાછી વાળવામાં આવી હતી અને ઇન્ડિગો ઍરલાઇન્સની ફ્લાઇટને અમદાવાદમાં ઉતારવામાં આવી હતી.

બીજી તરફ કેન્દ્રીય નાગરી ઉડ્ડયન પ્રધાન રામ મોહન નાયડુએ ગઈ કાલે આ જૂઠી ધમકીઓ વિશે બોલતાં કહ્યું હતું કે ‘અમે આ કૃત્યથી ચિંતિત છીએ, સરકારી તપાસ એજન્સીઓ આરોપીઓને પકડી લેશે. મુંબઈ પોલીસે આવા કૉલ કરવાના કેસમાં એક સગીરને અટકમાં લીધો છે.’

mumbai police chhattisgarh indigo air india spicejet mumbai mumbai news