16 October, 2023 02:53 PM IST | Mumbai | Faizan Khan
પ્રતીકાત્મક તસવીર
માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા વિવિધ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર સેલિબ્રિટીઝ દ્વારા અપાતા ગેરકાયદે સટ્ટાબાજીની ઍપ્સના સમર્થન અંગે જારી કરાયેલી ઍડ્વાઇઝરીઝ છતાં સ્ટાર્સ અને જાહેરાત કંપનીઓએ એમનો પ્રચાર કરવાનું ચાલુ રાખ્યું છે. મની લૉન્ડરિંગ કેસની તપાસ દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી) દ્વારા કડક કાર્યવાહી બાદ માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આ વર્ષે ઑગસ્ટમાં તાજેતરની ઍડ્વાઇઝરી જારી કરવામાં આવી હતી.
માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા જારી કરાયેલી ઍડ્વાઇઝરી દર્શાવે છે કે રણબીર કપૂર, વરુણ ધવન, શાહિદ કપૂર, શ્રદ્ધા કપૂર, સુનીલ શેટ્ટી, સંજય દત્ત, નવાઝુદ્દીન સિદ્દીકી, ઉર્વશી રાઉતેલા, અદા શર્મા અને નેહા શર્મા તેમ જ દિનેશ કાર્તિક અને યુવરાજ સિંહ જેવા ક્રિકેટરો અને કેટલાક વિદેશી ખેલાડીઓ આ ઍપ્સને સમર્થન આપી રહ્યાં છે.
ઍડ્વાઇઝરી મુજબ આ સેલિબ્રિટીઝ FairPlay, Khiladi.com, Betway, Lotus365, 1XBET અને PariMatch જેવી સટ્ટાબાજીની ઍપ્સને પ્રમોટ કરી રહી છે, જેમાંથી કેટલીક મહાદેવ બુકમાં ચાલી રહેલી ઈડીની તપાસ સાથે સંકળાયેલી હોવાની શંકા છે. ઍડ્વાઇઝરીમાં નોંધાયેલું છે કે જુગાર/સટ્ટાબાજીના પ્લૅટફૉર્મની જાહેરાતો માત્ર ગ્રાહકો, એમાં પણ ખાસ કરીને યુવાનો અને બાળકો, માટે નોંધપાત્ર નાણાકીય અને સામાજિક-આર્થિક જોખમો જ નહીં, પરંતુ મની લૉન્ડરિંગ નેટવર્ક્સ સાથે પણ જોડાણ ધરાવે છે જેને કારણે નાણાકીય સુરક્ષા જોખમાય છે.
ઍડ્વાઇઝરીમાં દાવો કરવામાં આવ્યો છે કે મંત્રાલયે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ સહિત ટીવી, પ્રિન્ટ અને ડિજિટલ મીડિયા માટે સમયાંતરે ઍડ્વાઇઝરી જારી કરી હતી, જેમાં ઑનલાઇન સટ્ટાબાજીના પ્લૅટફૉર્મની જાહેરાતો દર્શાવવામાં આવી હોય એને પ્રકાશિત કરવાથી દૂર રહે. ૨૦૨૨ના જૂનથી આ વર્ષના ઑગસ્ટ સુધીમાં ભારત સરકારે ગેરકાયદે સટ્ટાબાજીની ઍપ્સને લઈને કુલ ચાર ઍડ્વાઇઝરી જારી કરી છે. એમાં સ્પષ્ટપણે ઉલ્લેખ છે કે સટ્ટાબાજી અને જુગાર એ એક ગેરકાયદે પ્રવૃત્તિ છે અને તેથી કોઈ પણ મીડિયા પ્લૅટફૉર્મ પર આવી પ્રવૃત્તિઓની પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જાહેરાતો/પ્રચાર ગ્રાહક સુરક્ષા અધિનિયમ ૨૦૧૯, પ્રેસ કાઉન્સિલ હેઠળના વિવિધ કાયદાઓનું ઉલ્લંઘન કરે છે.