28 March, 2024 06:13 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કરીના કપૂર અને કરિશ્મા કપૂર
Kareena Kapoor and Karisma Kapoor: લોકસભા ચૂંટણી પહેલા જ ઘણા પ્રખ્યાત ચહેરાઓ પાર્ટીઓમાં જોડાઈ રહ્યા છે અને ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. આ સીરિઝમાં મહારાષ્ટ્રમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યારે કપૂર પરિવારના બે મોટા ચહેરા રાજકારણમાં આવી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે કરિશ્મા કપૂર અને તેની બહેન કરીના કપૂર ટૂંક સમયમાં એકનાથ શિંદેની શિવસેનામાં સામેલ થઈ શકે છે અને ચૂંટણી પણ લડી શકે છે. એટલું જ નહીં, પોતાના સમયના સુપરસ્ટાર રહેલા ગોવિંદા પણ એકનાથ શિંદેની શિવસેનામાં જોડાશે. આ ત્રણેય લોકસભાની ચૂંટણીમાં પણ લડી શકે છે.
હકીકતમાં એકનાથ શિંદેની શિવસેના તરફથી ગોવિંદાની સાથે અભિનેત્રી કરીના કપૂર અને કરિશ્મા કપૂરને ઉમેદવાર બનાવવામાં આવી શકે છે. ગોવિંદા કોંગ્રેસ વતી લોકસભા ચૂંટણી લડી ચૂક્યા છે અને સાંસદ પણ બની ચૂક્યા છે. જો ફરી આવું થાય છે તો મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની શિવસેના માટે તે મોટી વાત સાબિત થઈ શકે છે.
રાજકારણમાં પુનરાગમન કરવા જઈ રહ્યા છે
ગોવિંદા ઔપચારિક રીતે શિવસેનામાં જોડાયા છે. ગુરુવારે તેઓ મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેને મળવા આવ્યા હતા. આ પહેલા બુધવારે ગોવિંદા શિવસેના એકનાથ શિંદે જૂથના પ્રવક્તા અને પૂર્વ ધારાસભ્ય કૃષ્ણા હેગડેને પણ મળ્યા હતા. ત્યારથી એવી અટકળો ચાલી રહી હતી કે તેઓ ફરી એકવાર રાજકારણમાં પાછા ફરવાના છે. તેઓ ચૂંટણીની મોસમમાં પણ ઝંપલાવશે અને ચૂંટણી લડશે.
અગાઉ પણ સાંસદ રહી ચૂક્યા છે
ગોવિંદા પહેલા પણ ચૂંટણી લડી ચુક્યા છે અને 2004 થી 2009 સુધી કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેઓ કોંગ્રેસ પક્ષ તરફથી ચૂંટણી લડ્યા હતા. તે સમયે ગોવિંદા ઉત્તર મુંબઈથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ તેમણે ચૂંટણીમાં ભાજપના રામ નાઈકને હરાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી 2024 પહેલા નેતાઓના એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવાની પ્રક્રિયા ચાલુ છે. તાજેતરમાં કોંગ્રેસ નેતા નવીન જિંદાલ પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા હતા. ભાજપે તેમને હરિયાણાના કુરુક્ષેત્રથી પોતાના ઉમેદવાર પણ બનાવ્યા છે. હવે નવીન જિંદાલની માતા અને દેશની સૌથી ધનિક મહિલા સાવિત્રી જિંદાલે પણ કોંગ્રેસ પાર્ટી છોડી દીધી છે. તેણે બુધવારે મોડી સાંજે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. મળતી માહિતી અનુસાર સાવિત્રી જિંદાલ પણ ભાજપનો ખેસ ધારણ કર્યો છે.