હું રાજકારણમાં એન્ટ્રી કરવા જઈ રહી છું એવી ચર્ચામાં કોઈ દમ નથી : માધુરી દીક્ષિત

28 December, 2023 08:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઉત્તર-પશ્ચિમ મુંબઈ બેઠક પર બીજેપીનાં સંસદસભ્ય પૂનમ મહાજનને બદલે લોકસભાની ચૂંટણી લડશે એવી જોરદાર ચર્ચાઓને ધકધક ગર્લે આપ્યો વિરામ

પૂનમ મહાજન, માધુરી દીક્ષિત

લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે અગાઉની જેમ ફરી ચર્ચા જાગી છે કે બૉલીવુડની ધકધક ગર્લ માધુરી દીક્ષિતને મેદાનમાં ઉતારવામાં આવશે. માધુરી દીક્ષિતે એક ચૅનલના પ્રોગ્રામમાં કહ્યું હતું કે ‘રાજકારણ મારી પસંદગી નથી. આથી હું રાજકારણમાં એન્ટ્રી કરવા જઈ રહી છું એવી ચર્ચામાં કોઈ દમ નથી. ચૂંટણી લડવી એ મારું બકેટ-લિસ્ટ નથી, બીજા કોઈનું હોઈ શકે છે. દરેક ચૂંટણી વખતે મને ક્યાંકથી ઊભી કરી દેવામાં આવે છે, પણ રાજકારણ મારી પસંદગી નથી. ૨૦૨૪ના મારા બકેટ-લિસ્ટમાં પંચક ફિલ્મ છે. આ ફિલ્મ સફળ થશે તો વધુ ફિલ્મો કરવાનો ઉત્સાહ આવશે.’

માધુરીના પ​તિ ડૉ. શ્રીરામ નેનેને માધુરીની રાજકારણમાં એન્ટ્રી વિશે પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે ‘રોલમૉડલ સમાજને દિશા બતાવે છે. સમાજમાં સુધારો થશે તો ભારત વિશ્વમાં પહેલા નંબરે આવશે. આપણા દેશના લોકો ખૂબ હોશિયાર છે. રાજકારણને બાદ કરીએ તો દરેક ક્ષેત્રમાં સફળતા મેળવે છે. રાજકારણ અમારો વિષય નથી. દરરોજ નવી વાતો શીખવાનો અમે પ્રયાસ કરીએ છીએ. લોકોને મદદ કરવાનું અમને બંનેને ગમે છે.’

ઉલ્લેખનીય છે કે માધુરી દીક્ષિત રાજકારણમાં એન્ટ્રી મારવાની ચર્ચા અનેક વખત થઈ છે. ગઈ લોકસભાની ચૂંટણી વખતે અભિનેત્રી પુણેમાંથી ચૂંટણી લડવાની ચર્ચા શરૂ થઈ હતી. બાદમાં એ વાત ખોટી અને કાલ્પનિક હોવાનું જણાયું હતું. હવે માધુરીએ રાજકારણમાં પ્રવેશ બાબતે સ્પષ્ટતા કરી છે. જોકે એ પહેલાં તે ઉત્તર-મધ્ય મુંબઈની બેઠક પરથી અત્યારનાં સંસદસભ્ય પૂનમ મહાજનની જગ્યાએ બીજેપીમાંથી ચૂંટણી લડે એવી ચર્ચાએ જોર પકડ્યું હતું.

madhuri dixit Lok Sabha political news indian politics mumbai mumbai news