બીએમસીની કોસ્ટલ રોડ માટે ડેડિકેટેડ કન્ટ્રોલ રૂમની યોજના

09 February, 2024 09:50 AM IST  |  Mumbai | Sameer Surve

એમાં ટ્રાફિક પર ચાંપતી નજર રાખતો અલાયદો સ્ટાફ હશે, જે ટનલમાં કોસ્ટલ રોડની હિલચાલ પર નજર રાખશે

બીએમસી (ફાઈલ તસવીર)

બીએમસીએ વરલીથી નરીમાન પૉઇન્ટ કોસ્ટલ રોડ માટે સ્પેશ્યલ ડિઝૅસ્ટર કન્ટ્રોલ રૂમ સ્થાપવાનો નિર્ણય કર્યો છે. કન્ટ્રોલ રૂમમાં ટ્રાફિક પર ચાંપતી નજર રાખતો અલાયદો સ્ટાફ હશે.

કોસ્ટલ રોડ પ્રોજેક્ટના ચીફ એન્જિનિયર એમ. એમ. સ્વામીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘કોસ્ટલ રોડ પર હાલના સિવિક ડિઝૅસ્ટર કન્ટ્રોલ રૂમ કરતાં જુદો સેપરેટ કન્ટ્રોલ રૂમ હશે. પ્રોજેક્ટ પૂરો થયા બાદ કન્ટ્રોલ રૂમ બનાવવાની કામગીરી શરૂ થશે. જ્યાં સુધી કાયમી કન્ટ્રોલ રૂમ તૈયાર ન થાય ત્યાં સુધી અમે એક હંગામી કન્ટ્રોલ રૂમ શરૂ કરીશું, જેના માટે ડેડિકેટેડ સ્ટાફ હશે. એ ટનલમાં કોસ્ટલ રોડની હિલચાલ પર નજર રાખશે.’

મ્યુનિસિપલ કમિશનર આઇ. એસ. ચહલે કહ્યું હતું કે ‘વાહનની સ્પીડ ૮૦ કિલોમીટર પ્રતિ કલાક હશે. ટનલ સહિત સંપૂર્ણ રસ્તાઓ પર સીસીટીવી કૅમેરાની જોગવાઈ છે. દર ૧૦૦ મીટરે સીસીટીવી કૅમેરા લગાવવામાં આવશે, જે સ્પીડના ઉલ્લંઘન અને આપત્તિ પર પણ નજર રાખશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ પ્રોજેક્ટના પ્રથમ ભાગનું ઉદ્ઘાટન કરશે. વરલીથી નરીમાન પૉઇન્ટ સુધી દક્ષિણ તરફનો ટ્રાફિક ખૂલશે. મે ૨૦૨૪ના મધ્ય સુધીમાં સંપૂર્ણ પ્રોજેક્ટ ખૂલી જશે.’

બીએમસી ઑફિસરના જણાવ્યા અનુસાર વરલીથી નરીમાન પૉઇન્ટ સાઉથ ચૅનલ પૂરી થઈ ગઈ છે, જેમાં કેટલાંક પરચૂરણ કામ બાકી છે. દરમિયાન નૉર્થ ચૅનલ અને કોસ્ટલ રોડ અને બાંદરા-વરલી સી-લિન્ક વચ્ચેના કનેક્ટરનું કામ અંતિમ તબક્કામાં છે અને એ મે મહિનામાં પૂરું થશે.

mumbai news brihanmumbai municipal corporation mumbai whats on mumbai