24 June, 2024 06:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મરીન ડ્રાઇવ પર ભરતીનાં મોજાંનો આનંદ લઈ રહેલું કપલ.
મુંબઈમાં નવમી જૂને ચોમાસું બેઠા બાદ એના પંદર દિવસ પછી આજે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની કસોટી થવાની ભારોભાર શક્યતા છે. એનું કારણ છે વેધશાળાએ કરેલી ભારે વરસાદની આગાહી. આજે મુંબઈગરા માટે ચિંતાની વાત એ છે કે આજે દરિયામાં ભરતી વખતે સાડાચાર મીટરથી ઊંચાં મોજાં ઊછળવાનાં છે અને આવા સમયે જો શહેરમાં પચાસ મિલીમીટર (MM)થી વધારે વરસાદ પડશે તો શહેર જળબંબાકાર થવાની ભારોભાર શક્યતા રહેલી છે, કારણ કે આવા સમયે શહેરનું વરસાદનું પાણી ગટર મારફત દરિયામાં નહીં જઈ શકે અને પાણીનો નિકાલ ન થવાને લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની ભારોભાર શક્યતા રહે છે. જ્યારે પણ દરિયામાં ભરતી વખતે સાડાચાર મીટરથી ઊંચાં મોજાં ઊછળતાં હોય છે ત્યારે દરિયાનું પાણી શહેરની અંદર ન ઘૂસી જાય એ માટે ફ્લડગેટ્સ બંધ કરી દેવામાં આવે છે. આ જ કારણસર આવા સમયે શહેરનું પાણી દરિયામાં કે દરિયાનું પાણી શહેરમાં આવી નથી શકતું. આ જ કારણસર BMCએ આજે લોકોને દરિયાથી દૂર રહેવાની સલાહ આપી છે.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા કહેવાયું છે કે આજે બપોરે મોટી ભરતી છે અને એમાં પણ બપોરે ૧.૫૩ વાગ્યે ૪.૫૪ મીટર ઊંચાં મોજાં ઊછળશે. એ સાથે જ હવામાન ખાતાએ પણ આગાહી કરી છે કે આજે દિવસ દરમ્યાન મુંબઈ સહિત નૉર્થ કોંકણમાં કડાકા-ભડાકા સાથે મધ્યમથી ભારે ઝાપટાં પડી શકે છે. એમાં પણ કલાકના ૩૫થી ૪૫ કિલોમીટરની ઝડપે ફૂંકાતો પવન પંચાવન કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે. એથી જો ભરતીના સમયે ધોધમાર વરસાદ હશે તો મુંબઈ જળબંબાકાર થવાની શક્યતા છે.
આ સંદર્ભે BMCના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટના ડિરેક્ટર મહેશ નાર્વેકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દરિયામાં મોટાં મોજાં ઊછળવાની જાણ આપણને આગોતરી મળી જતી હોય છે. એમાં પણ ભારે વરસાદના દિવસો હોય ત્યારે આપણે વિશેષ કાળજી લેવી પડતી હોય છે અને એ માટે સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર (SOP) તૈયાર કરાઈ છે જે આજે પણ ઍક્ટિવેટ કરાઈ છે. એ અંતર્ગત દરિયાકિનારે ફાયર-બ્રિગેડ અને સિક્યૉરિટી સાથે લાઇફગાર્ડ્સ તહેનાત કરવામાં આવ્યા છે. ગિરગામ ચોપાટી, જુહુ ચોપાટી બૅન્ડ-સ્ટૅન્ડ, માર્વે, આક્સા અને ગોરાઈ બીચ પર પૅટ્રોલિંગ વધારી દેવામાં આવશે. કોઈ દુર્ઘટના બને તો એને પહોંચી વળવા નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (NDRF)ની પાંચ ટીમ અને નેવીની નવ ટીમ આ માટે રેડી રહેતી હોય છે. એ સિવાય નિચાણવાળા વિસ્તારોમાંથી પાણીનો નિકાલ કરવા જે પમ્પ લગાડવામાં આવ્યા છે એ પણ પ્રૉપર કન્ડિશનમાં અને ઑપરેટ કરવા કર્મચારી હાજર રહે એ બાબતની કાળજી લેવાતી હોય છે. આમ અમે પ્રૉપર પ્લાનિંગ સાથે તૈયાર છીએ.’