સર્વિસ રોડ પરના ખાડા ભરવા BMC હવે ૨૦૦ કરોડ રૂપિયાથી વધારે રકમનાં ટેન્ડર બહાર પાડશે

10 May, 2024 07:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જોકે BMCએ માર્ચમાં ૧૮૦ કરોડનાં અને એપ્રિલમાં ૬૦ કરોડ કરતાં વધુનાં ટેન્ડર બહાર પાડ્યાં હતાં.

રસ્તા પરના ખાડા

મૉન્સૂનમાં મુંબઈગરાઓનો માથાનો દુખાવો બનતા રસ્તા પરના ખાડાની સમસ્યા દૂર કરવા બૃહન્મુંબઈ મ્યુનિ​સિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા મુંબઈભરના મુખ્ય રસ્તા કૉન્ક્રીટના કરવાનું કામ ચાલી રહ્યું છે, પણ એ પૂરું થતાં વાર લાગે એમ છે એટલે આ વખતે પણ લોકોને ખાડાની સમસ્યાથી છુટકારો મળવાની શક્યતા ઓછી છે. જોકે BMCએ માર્ચમાં ૧૮૦ કરોડનાં અને એપ્રિલમાં ૬૦ કરોડ કરતાં વધુનાં ટેન્ડર બહાર પાડ્યાં હતાં.  

ખાસ કરીને હાઇવે પર ખાડાને કારણે થતા ટ્રાફિક જૅમની સમસ્યાનો કેટલેક અંશે ઉકેલ લાવવા હવે BMCએ હાઇવેની બાજુના સર્વિસ રોડ પરના ખાડા ભરવા પર ફોકસ કર્યું છે. ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેના સર્વિસ રોડ પરના ખાડા ભરવા ૭૩.૫૩ કરોડનાં ટેન્ડર અપાઈ ગયાં છે, જ્યારે સિટી અને વેસ્ટર્ન એક્સપ્રેસ પરના સર્વિસ રોડ પરના ખાડા ભરવા માટેનાં ૨૦૦ કરોડ કરતાં વધુનાં ટેન્ડર ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે. BMCના કમિશનર ભૂષણ ગગરાણીએ ગયા અઠવાડિયે ઈસ્ટર્ન અને વેસ્ટર્ન એક્સપ્રેસવેની મુલાકાત લીધી હતી. તેમણે બન્નેના સર્વિસ રોડ પણ ચકાસ્યા હતા અને હાલમાં એના પર જે ખાડા છે એ કૉન્ટ્રૅક્ટર નીમીને વહેલી તકે ભરવાની તાકીદની સૂચના આપી છે. 

mumbai news mumbai brihanmumbai municipal corporation mumbai monsoon