નાળામાં કચરો ફેંકશો તો હવે ૨૦૦ રૂપિયા દંડ ભરવો પડશે

08 June, 2024 07:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ દંડની રકમ ક્લીન-અપ માર્શલ વસૂલ કરશે એમ BMCના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું છે.  

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

દર વર્ષે મૉન્સૂન આવે એ પહેલાં નાળાંની સફાઈના કરોડો રૂપિયાના કૉન્ટ્રૅક્ટ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા આપવામાં આવતા હોય છે. નાળામાં નાખવામાં આવતા કચરાને કારણે એમાંનું પાણી વહી શકતું નથી એટલે ઘણી વાર એ ઓવરફ્લો થઈને બહાર વહેવા માંડતાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાય છે અને એથી બીમારી ફેલાવાનો પણ ભય રહે છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા BMCએ નાળામાં કચરો નાખનારને દંડ કરવાનું નક્કી કર્યું છે. નાળામાં કચરો નાખનાર પાસેથી હવે ૨૦૦ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવશે. આ દંડની રકમ 
ક્લીન-અપ માર્શલ વસૂલ કરશે એમ BMCના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું છે.  

મૂળમાં ગયા વર્ષે એપ્રિલ-મે 
મ​હિનામાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. નાળામાં કચરો ફેંકનાર સામે પોલીસ-કાર્યવાહી કરીને દંડ વસૂલ કરવામાં આવે એ સંદર્ભે મુંબઈના પાલક પ્રધાન દીપક કેસરકર અને તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર ઇકબાલ ચહલ વચ્ચે બેઠક પણ યોજાઈ હતી. એ વખતે દંડાત્મક કાર્યવાહી કરવાનો નિર્ણય લઈને એ માટેની સૂચનાઓ પણ આપવામાં આવી હતી. જોકે એ વખતે એનો અમલ કરવામાં આવ્યો નહોતો. હવે એક વર્ષ બાદ એ નિર્ણય પર અમલીકરણ કરવાનું નક્કી થયું છે અને ક્લીન-અપ માર્શલને એ જવાબદારી સોંપવામાં આવી છે. 

નાળાની દીવાલ પર જાળી બેસાડવાનું હવે આવતા વર્ષે શક્ય બનશે
કચરો નાખવાનું પ્રમાણ ઝૂંપડપટ્ટીની પાસેથી પસાર થતાં નાળાંઓમાં વધુ છે. એથી BMCએ બાંદરામાં એક નાળાની દીવાલ પર આઠથી દસ ફુટ ઊંચી જાળી બેસાડી હતી. એને કારણે ના‍ળામાં કચરો જતો અટકી ગયો હતો અને એ ઉપાય કારગત નીવડ્યો હતો. જોકે હવે નાળાની દીવાલો પર જાળી બેસાડવાનું કામ આવતા વર્ષે કરવાનું નિર્ધાર્યું હોવાથી આ વર્ષે દંડ વસૂલ કરવાનો ઉપાય અજમાવવામાં આવ્યો છે. 

mumbai news mumbai brihanmumbai municipal corporation monsoon news mumbai monsoon