22 September, 2024 10:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જેનો ગેરકાયદે ભાગ તોડવાનો છે એ મસ્જિદ અને રસ્તા પર ભેગા થઈ ગયેલા લોકો.
ધારાવીના નાઇન્ટી ફીટ રોડ પર આવેલી સુભાનિયા મસ્જિદનો ગેરકાયદે ચણી દેવાયેલો ભાગ તોડવા ગઈ કાલે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની અતિક્રમણ વિભાગની ટીમ પહોંચી ત્યારે લોકોએ એનો ભારે વિરોધ કર્યો હતો. BMC દ્વારા તેમને એ માટે પહેલાં નોટિસ પણ મોકલવામાં આવી હતી. એમ છતાં મસ્જિદના પદાધિકારીઓ દ્વારા એ સંદર્ભે કોઈ પગલાં ન લેવાતાં BMCનો અતિક્રમણ વિભાગ એ તોડી પાડવા ગઈ કાલે મસ્જિદ પર પહોંચ્યો હતો. જોકે એ કાર્યવાહીના વિરોધમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા અને તેમણે રસ્તારોકો કરી જમીન પર જ ધરણાં પર બેસી જઈને BMCના કર્મચારીઓને કલાકો સુધી કાર્યવાહી કરતા રોક્યા હતા એટલું જ નહીં, કેટલાક લોકોએ તો ઉશ્કેરાટમાં આવીને BMCનાં વાહનોની તોડફોડ પણ કરી હતી. જોકે મોટી સંખ્યામાં પોલીસ પણ તહેનાત હોવાથી રમખાણ નહોતું થયું, પણ મામલો તંગ બની ગયો હતો. આખરે મસ્જિદના ટ્રસ્ટીઓ દ્વારા લેખિતમાં અપાયું હતું કે અમને ૪-૫ દિવસની મુદત આપો, અમે જાતે જ એ ગેરકાયદે બાંધકામ તોડી પાડીશું ત્યારે મામલો શાંત પડ્યો હતો અને BMCની ગાડીઓ પાછી વળતાં લોકો વિખેરાયા હતા.
આપણે આ બાબતે ઉકેલ લાવીશું : વર્ષા ગાયકવાડ
વર્ષા ગાયકવાડે પોલીસ-સ્ટેશનમાં બેઠક કરી બહાર આવીને કહ્યું હતું કે આ સંદર્ભે મેં મુખ્ય પ્રધાન સાથે પણ વાત કરી છે. તેમણે વિરોધ-પ્રદર્શન કરનારાઓને ઉદ્દેશીને કહ્યું હતું કે ‘આજે જે નિર્ણય થયો છે એની જાણ તમને થઈ જ હશે. એથી હું તમને વિનંતી કરું છું કે શાંતિ રાખો, સંયમ રાખો. કાર્યવાહી રદ કરવામાં આવી છે. તમે બધા તમારા ઘરે જાઓ. તમે બધા જો અહીંથી ખસશો તો BMCના અધિકારીઓ ગાડીઓ સાથે અહીંથી નીકળી શકશે. એથી તમે સહકાર આપો. હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે BMCના અધિકારીઓને અહીંથી જવા દો. અમે બધા તમારી સાથે જ છીએ. આપણે આ બાબતે ઉકેલ લાવીશું. હું અહીં છું, પોલીસ અહીં છે એટલે વિશ્વાસ રાખો અને ઘરે જાઓ. કાયદો અને વ્યવસ્થા જાળવવા તમારી મદદની જરૂર છે.’
કોર્ટના આદેશ અનુસાર કાર્યવાહી : દેવેન્દ્ર ફડણવીસ
ધારાવી મસ્જિદનો ગેરકાયદે ભાગ તોડી પાડવાની સામે થયેલા લોકોના મુદ્દે મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘કોર્ટના આદેશ અનુસાર આ કાર્યવાહી કરવામાં આવી છે. કોર્ટના ઑર્ડરમાં મસ્જિદનો ગેરકાયદે ભાગ તોડી પાડવા જણાવાયું છે. BMCએ કેટલાક દિવસ પહેલાં જ આ સંદર્ભે કાર્યવાહી ચાલુ કરી હતી. એ વખતે ટ્રસ્ટીઓ દ્વારા કહેવાયું હતું કે ઈદ પછી એ બાંધકામ અમે તોડી પાડીશું. ગઈ કાલે પણ BMCની ટીમ એ તોડવા ગઈ ત્યારે તેમના દ્વારા ૪-૫ દિવસનો સમય માગવામાં આવ્યો હતો અને કહ્યું કે અમે જ એ તોડી પાડીશું એટલે કાર્યવાહી કરાઈ નથી અને BMCના અધિકારીઓ પાછા આવી ગયા હતા. કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ કાયદો અને વ્યવસ્થાને ડહોળવાનો પ્રયાસ કરશે તો એ બરાબર નહીં ગણાય. મને વિશ્વાસ છે કે એ લોકો એમ જ કરશે જેમ તેમણે BMCને લખી આપ્યું છે.’