ઊંધે માથે પટકાયા બાદ BMC હવે કચરો છૂટો પાડવાનું મૅનેજમેન્ટ કરવા પ્રાઇવેટ સંસ્થાની મદદ લેશે

20 November, 2024 12:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈમાં રોજનો ૬૫૦૦ મેટ્રિક ટન કચરો ભેગો થાય છે અને એનો નિકાલ કરવાનું ભગીરથ કાર્ય બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) કરે છે.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં રોજનો ૬૫૦૦ મેટ્રિક ટન કચરો ભેગો થાય છે અને એનો નિકાલ કરવાનું ભગીરથ કાર્ય બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) કરે છે. એ માટે ખાસ કરીને સોસાયટીઓમાં જ ભીનો અને સૂકો કચરો અલગ તારવી લેવામાં આવે એ માટે ભરપૂર પ્રયાસ કરાયા હતા. જોકે એમાં સફળતા ન મળતાં હવે કચરો છૂટો પાડવા અને એને મૅનેજ કરવા ખાનગી સંસ્થાને એ જવાબદારી સોંપવાનો નિર્ણય લેવાયો છે અને આ માટે ટૂંક સમયમાં ટેન્ડર બહાર પાડવામાં આવશે. 

મુંબઈમાં ૨૦,૦૦૦ ચોરસ મીટર કરતાં મોટી અથવા રોજનો ૧૦૦ કિલો કચરો જે સોસાયટીમાં ભેગો થતો હોય એ સોસાયટીઓએ કમ્પાઉન્ડમાં જ એ કચરાનું વર્ગીકરણ કરીને એને પ્રોસેસ કરવો એવો નિયમ બહાર પાડી એ ફરજિયાત કર્યું હતું. ઘણી સોસાયટીઓ આ નિયમનું પાલન કરતી ન હોવાથી BMCએ આવી સોસાયટીઓને દંડ કર્યો હતો, પણ કાયદામાં એના માટે જોગવાઈ ન હોવાથી સુધરાઈ કોર્ટમાં હારી ગઈ હતી અને ત્યાર બાદ એણે દંડ લેવાનું બંધ કરી દીધું છે પણ હવે BMCએ કચરાના સેગ્રિગેશન (છૂટો પાડવા) માટેનો એના સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટને લગતા ૨૦૧૬ના કાયદામાં નવી જોગવાઈઓ ઉમેરવાનું નક્કી કર્યું છે. એનો પ્રસ્તાવ બની રહ્યો છે. સાથે જ કચરાના સેગ્રિગેશનના મૅનેજમેન્ટ માટે ખાનગી સંસ્થાને એ કામ સોંપવાનો નિર્ણય લીધો છે. કચરો છૂટો પાડવામાં શું સમસ્યા આવે છે એ શોધી કાઢી એ દૂર કરવાનો પ્રયાસ આ સંસ્થા દ્વારા કરાશે. સોસાયટીઓ, ચાલીઓમાં આ બાબતે પૅમ્ફ્લેટ પણ વેચાશે અને સ્ટ્રીટ પ્લે પણ કરવામાં આવશે એમ BMCએ જણાવ્યું છે. હાલ વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતા લાગુ કરાઈ હોવાથી ટેન્ડર બહાર પડાયા નથી, ચૂંટણી પછી એ બહાર પાડવામાં આવશે.

brihanmumbai municipal corporation mumbai news environment mumbai news