24 March, 2025 01:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈમાં રોજ ૮૫૦૦ ટન કાટમાળ નીકળે છે.
મુંબઈમાં હાલ કન્સ્ટ્રક્શન અને રિનોવેશનનાં અનેક કામ ચાલી રહ્યાં છે ત્યારે એનો કાટમાળ કૉન્ટ્રૅક્ટર નિર્ધારિત કરેલી જગ્યાએ જ ઠાલવે છે કે નહીં એના પર નજર રાખવા બૃહન્મુંબઈ મ્યુનિસપલ કૉર્પોરેશન (BMC) હવે એક ખાસ ઍપ વિકસાવી રહ્યું છે.
ઘણી વાર કૉન્ટ્રૅક્ટરો દ્વારા આ કાટમાળ નિર્ધારિત સ્થળે ખાલી ન કરતાં ખાડી, મૅન્ગ્રોવ્ઝ કે પછી રોડ સાઇડ ખાલી જગ્યાએ ઠાલવી દેવામાં આવતો હોય છે. એથી BMC હવે મોબાઇલ ઍપ ડેવલપ કરી રહી છે જેના વડે એ કાટમાળ ક્યાંથી ઉપાડવામાં આવ્યોથી લઈને કઈ જગ્યાએ નાખવામાં આવ્યો એની બધી જ માહિતી મળશે.
જે પણ વ્યક્તિએ રિનોવેશન કે પછી કન્સ્ટ્રક્શનનું કામ કરાવવાનું હોય તેણે કેટલો કાટમાળ નીકળશે એ BMCને જણાવવું પડશે અને એ કાટમાળ BMCની ઑટો ડેવલપમેન્ટ કન્ટ્રોલ રેગ્યુલેશન (DCR)ની કઈ સાઇટ પર નાખવામાં આવશે એની પસંદગી કરવાની રહેશે. એ પછી સિસ્ટમ કાટમાળ ઉપાડવાની સાઇટથી લઈને એ ક્યાં નાખવાનો છે એ સાઇટનો મૅપ તૈયાર કરશે અને ટાઇમ-સ્લૉટ નક્કી કરશે. એ પછી જો કૉન્ટ્રૅક્ટર બીજો રૂટ લેશે કે પછી વધુ ટાઇમ લેશે તો એની નોંધ સિસ્ટમમાં થઈ જશે. કાટમાળ ઉપાડવાથી લઈને નાખવા સુધીની મુસાફરીની અલગ-અલગ સમયે ઇમેજિસ લેવામાં આવશે અને એનો સમય પણ નોંધવામાં આવશે. બીજી બાજુ ડમ્પિંગ સાઇટ પર પણ કૉન્ટ્રૅક્ટર દ્વારા કેટલી ક્વૉન્ટિટી મટીરિયલ ડમ્પ કરવામાં આવ્યું એની નોંધ રાખવામાં આવશે.
BMC દ્વારા રોજ ૬૦૦ ટન કાટમાળનો નિકાલ કરી શકે એવા બે પ્લાન્ટ ચાલુ કરવામાં આવ્યા છે. જોકે હાલ આ બન્ને પ્લાન્ટ એમની કુલ કૅપેસિટીના ૬૦ ટકા જેટલું જ કામ કરે છે.