08 December, 2025 12:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બીએમસીની પ્રતીકાત્મક તસવીર
મહાનગરી મુંબઈના ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે એકસરખા દેખાય અને નવાં નાનાં-નાનાં ગાર્ડન, ફુટપાથ અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરવા સાથે બન્ને હાઇવેને વધુ સુંદર બનાવવાનો વિચાર બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) કરી રહી છે. આ ડેકોરેશન માટે કૉર્પોરેટ સોશ્યલ રિસ્પૉન્સિબિલિટી (CSR ) હેઠળ પ્રાઇવટ કંપનીઓ પાસેથી ફન્ડ મેળવીને આ પ્રોજેક્ટ હાથ ધરવાનો BMCનો પ્લાન છે.
વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે ૨૫ કિલોમીટરની લંબાઈ ધરાવે છે, જ્યારે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે ૨૪ કિલોમીટર લાંબો છે. જોકે બન્ને હાઇવે એકસરખા દેખાય અને બન્ને પર સરખું ડેકોરેશન હોય એ માટે કોઈ ચોક્કસ રૂપરેખા નથી. જેમ કે હાઇવેની બન્ને તરફ ફુટપાથ પર ઉગાડવામાં આવતા છોડ અને રસ્તાને કરવામાં આવતા અલગ-અલગ પટ્ટાઓમાં અલગ-અલગ કલરના પેઇન્ટનો વપરાશ થાય છે. આવી વિવિધતાને દૂર કરીને બન્ને હાઇવે માટે સમાન ડેકોરેશન લાવવા BMCએ આ પહેલ હાથ ધરી છે.
આ બાબતે BMCના એક ઑફિસરે કહ્યું હતું કે ‘અમે આખો હાઇવે યુનિફૉર્મ દેખાય એ માટે પ્રાઇવેટ ફર્મ અને કંપનીઓ આ પ્રોજેક્ટ CSR હેઠળ ઉપાડી લે એમ ઇચ્છીએ છીએ. એ પ્રોજેક્ટ હેઠળ હાઇવે પર સુંદર સુશોભન સાથે આઇલૅન્ડ પણ યુનિફૉર્મ રીતે ડેવલપ કરી શકાશે.’