19 June, 2019 07:53 AM IST | | ચેતના યેરુણકર
ફાઈલ ફોટો
મુંબઈના અનેક બ્રિજ બંધ હોવાથી ઊભી થતી વાહનવ્યવહારની સમસ્યાઓના ઉકેલ માટે પ્રી-ફેબ્રિકેટેડ (રેડીમેડ) બ્રિજના વપરાશની વિચારણા મુંબઈ મહાનગરપાલિકા કરે છે. એ પ્રકારના બ્રિજ ચોક્કસ જગ્યા પર ત્રણ મહિનામાં સ્થાપી શકાય છે. હજી એ ટેક્નૉલૉજીની કિંમત તથા અન્ય વિગતો બાબતે પાલિકા વિચારણા કરે છે.
૨૦ બ્રિજ બંધ કરવાના નિર્ણય સામે ભારે ઉહાપોહ મચ્યો હતો, કારણ કે એના કોઈ વિકલ્પો નહોતા અને એ બ્રિજના સમારકામ કે ફરી બાંધકામ માટે કોઈ ટેન્ડર્સ બહાર પાડવામાં આવ્યાં નહોતાં. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પરિસ્થિતિની સમીક્ષા કરવાનો આદેશ આપ્યો હતો.
૨૦ બ્રિજ બંધ કરવાથી ઊભી થયેલી સમસ્યા બાબતે મુખ્ય પ્રધાન સાથે બેઠક દરમ્યાન પ્રી-ફેબ્રિકેટેડ બ્રિજ ટેક્નૉલૉજીના વપરાશ વિશે ચર્ચા કરવામાં આવી હતી. અનેક બ્રિજ નાળા પર હોવાથી ટૂંકા અંતરો માટે પ્રી-ફેબ્રિકેટેડ બ્રિજ ઉપલબ્ધ છે કે નહીં અને વળાંકોનું ફેબ્રિકેશન શક્ય છે કે નહીં એ બાબતોનો અભ્યાસ મહાનગરપાલિકાના અધિકારીઓ તથા નિષ્ણાતો કરશે.