બીએમસીનાં બેવડાં ધોરણ

11 September, 2023 10:40 AM IST  |  Mumbai | Rohit Parikh

એક બાજુ દુકાનોનાં પાટિયાં પર બીજી ભાષા કરતાં મોટા અક્ષરે મરાઠીમાં નામ ન રાખનાર દુકાનદારોને એ દંડે છે અને બીજી બાજુ પોતાની જ સ્કૂલમાં રાજ્યની ભાષાને બદલે અંગ્રેજીમાં મોટા અક્ષરે નામ રાખે છે

મુલુંડ-વેસ્ટના ડૉ. આંબેડકર રોડ અને એસ. એલ. રોડ જંક્શન પર આવેલી મહાનગરપાલિકા સંચાલિત મુંબઈ પબ્લિક સ્કૂલના નામના બોર્ડમાં રાજ્ય સરકારના કાયદાનો અમલ થયો નથી

મહારાષ્ટ્ર સરકારે માર્ચ ૨૦૨૨માં મુંબઈ મહાનગરપાલિકાના અધિકાર ક્ષેત્ર હેઠળ આવતી તમામ દુકાનો અને વાણિજ્ય સંસ્થાઓ માટે નોટિફિકેશન જારી કરીને તેમના નામનાં બોર્ડ મરાઠી દેવનાગરી લિપિમાં લગાડવાની સૂચના આપી છે; જેમાં તેમણે તમામ વ્યવસાય, સ્થાપના, દુકાનો, ખાનગી સ્કૂલો અને અન્ય ખાનગી વ્યવસાયનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કાયદાનું પાલન ન કરનારાઓને એક લાખ રૂપિયાનો દંડ કરવામાં આવશે. કાયદા સામે વેપારી સંગઠનો સુપ્રીમ કોર્ટમાં લડી રહ્યાં છે. આ કાયદા સામે છેલ્લા એક વર્ષથી સુપ્રીમ કોર્ટ તરફથી સ્ટે આપવામાં આવ્યો હતો. જોકે સુપ્રીમ કોર્ટના જજ દ્વારા તાજેતરમાં વેપારી સંગઠનોને એવી સલાહ આપવામાં આવી હતી કે કોર્ટમાં લડવા માટે વકીલના ખર્ચ કરતાં એ પૈસામાંથી મરાઠીમાં બોર્ડ બનાવી લો અને જે રાજ્યમાં વ્યવસાય કરો છો ત્યાંના કાયદાનું પાલન કરો. નવાઈની વાત તો એ છે કે જે રાજ્ય સરકારે આ કાયદો બનાવ્યો છે એ કાયદાનો મુંબઈ મહાનગરપાલિકા જ અમલ કરતી નથી. આ કાયદો આવ્યા પછી મુંબઈમાં સ્થાપિત થયેલી અનેક મહાનગરપાલિકાની સ્કૂલનાં બોર્ડના નામમાં જ મરાઠી દેવનાગરી લિપિને પ્રાધાન્ય આપવામાં આવ્યું નથી. આ બોર્ડ પર મરાઠી દેવનાગરી લિપિના ફોન્ટ કરતાં અંગ્રેજી ફોન્ટ મોટા રાખવામાં આવ્યા છે. જ્યારે કાયદા પ્રમાણે મરાઠી દેવનાગરી ભાષામાં નામનાં બોર્ડ દર્શાવવાનું ફરજિયાત છે, જેમાં અન્ય કોઈ પણ ભાષાના અક્ષરના કદ કરતાં મરાઠી ભાષાના ફોન્ટનાં કદ નાનાં ન હોવાં જોઈએ.

આ બાબતે ધ્યાન દોરતાં મુલુંડના નાગરિક અને નિવૃત્ત બિઝનેસમૅન મિલન વીરાએ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘મુલુંડ-વેસ્ટમાં મુંબઈ મહાનગરપાલિકાની મુંબઈ પબ્લિક સ્કૂલ જે હમણાં સરકારના મરાઠી બોર્ડના કાયદાની જાહેરાત પછી એટલે કે જૂન ૨૦૨૩માં શરૂ કરવામાં આવી છે. આ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના નામના બોર્ડ પર અંગ્રેજી લિપિને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને મરાઠી લિપિના અક્ષરો અંગ્રેજી અક્ષરના ફોન્ટથી સાઇઝમાં નાના છે. આમ આ બોર્ડ રાજ્ય સરકારના માર્ચ ૨૦૨૨ના કાયદાથી સપૂર્ણપણે વિપરીત છે. મુંબઈમાં ઘણાં વર્ષોથી દુકાનદારોએ તેમની દુકાનના નામનાં બોર્ડ અન્ય ભાષા સાથે મરાઠીમાં પણ રાખ્યાં હોવા છતાં દુકાનદારો પર સરકાર મરાઠી લિપિના અક્ષરને બીજી ભાષા કરતાં મોટા ફોન્ટ કરવાનું દબાણ કરી રહી છે અને આમ એ દુકાનદારો પર આર્થિક બોજ વધારી રહી છે. જ્યારે મુંબઈ મહાનગરપાલિકા હેઠળ સંચાલિત સ્કૂલોમાં જ સરકારી કાયદાનો અમલ કરવામાં આવતો નથી. સરકારની આ બેવડી નીતિ નવાઈ પમાડે છે.’
સરકારના આ કાયદા સામે લડી રહેલા ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશનના અધ્યક્ષ વીરેન શાહે ‘મિડ-ડે’ને કહ્યું કે ‘અમે પહેલા દિવસથી જ કહીએ છીએ કે અમે મરાઠી બોર્ડના વિરોધી નથી, પણ મરાઠી લિપિના અક્ષરના અન્ય ભાષાના ફોન્ટ કરતાં મોટા હોવા જોઈએ કે સરખા હોવા જોઈએ એ સરકારી કાયદાનો વિરોધ કરીએ છીએ, કારણ કે આમ કરવા જતાં લાખો દુકાનદારોએ તેમની દુકાનના નામનાં બોર્ડ બદલવાની નોબત આવી છે, જેને કારણે તેમના પર આર્થિક બોજ વધશે. મહાનગરપાલિકા જ આ કાયદાનો અમલ નથી કરી રહી. તેઓ જ મરાઠી લિપિને પ્રાધાન્ય નથી આપી રહ્યા, જે તેમના દ્વારા સંચાલિત સંસ્થાઓનાં નામનાં બોર્ડથી પ્રતીત થાય છે. તેમની સ્કૂલના નામના બોર્ડમાં નથી મરાઠી ભાષાને પ્રાધાન્ય આપવામાં આવ્યું કે નથી બોર્ડના અક્ષરના ફોન્ટ અન્ય ભાષા કરતાં મોટા કે સરખા. અમારા વેપારીઓ માટે પણ આ અશક્ય છે.’

આ બાબતે સ્પષ્ટતા કરવા માટે મહાનગરપાલિકાના લાઇસન્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અને મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર આઇ. એસ. ચહલનો ‘મિડ-ડે’એ ફોન અને મેસેજ મોકલીને સંપર્ક કર્યો હતો, પણ તેમના તરફથી કોઈ રિસ્પૉન્સ મળ્યો નહોતો.

brihanmumbai municipal corporation Education mumbai mumbai news rohit parikh