નાની-સાંકડી ગલીઓમાં ઈ-રિક્ષા દ્વારા કચરો એકઠો કરવાના બીએમસીના પ્રોજેક્ટને સફળતા

25 February, 2024 08:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હવે બીએમસીનો આ પ્રોજેક્ટ સફળ થઈ રહ્યો છે અને લોકો એ રિક્ષામાં કચરો ઠાલવી રહ્યા છે.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈને સ્વચ્છ રાખવાના ભાગરૂપે બીએમસી દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવતા હોય છે, જેમાં એક નવીનતમ પ્રયોગનો વધારો થયો છે. મુંબઈમાં ઘણા એવા વિસ્તારોમાં બેઠી ચાલીઓ અને ઝૂંપડપટ્ટી છે જ્યાંની સાંકડી અને નાની ગલીઓમાં બીએમસીની ગાડીઓ કચરો કલેક્ટ કરવા જઈ શકતી નહોતી. એથી રિક્ષામાં જ કચરો કલેક્ટ કરી શકાય એવી ગોઠવણ કરવામાં આવી અને એ માટે રિક્ષા પણ ઇલેક્ટ્રિક વાપરવામાં આવી. હવે બીએમસીનો આ પ્રોજેક્ટ સફળ થઈ રહ્યો છે અને લોકો એ રિક્ષામાં કચરો ઠાલવી રહ્યા છે.

બીએમસીના એમ-ઈસ્ટ વૉર્ડના સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટના અસિસ્ટન્ટ એન્જિનિયર સંદીપ ગવારેએ આ બાબતે માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી પાસે એમ-વેસ્ટમાં ગોવંડી, ચિત્તા કૅમ્પ અને શિવાજીનગરનો વિસ્તાર આવે છે જ્યાં મોટા પ્રમાણમાં ઝૂંપડપટ્ટી છે. અમારી કચરો કલેક્ટ કરવાની જીપ પણ ત્યાંની ગલીઓમાં જઈ શકતી નહોતી એટલી એ ગલીઓ સાંકડી અને નાની છે. એટલે અમે રિક્ષાનો વિકલ્પ વિચાર્યો હતો અને એને અમલમાં મૂકીને પહેલાં ત્રણ ઈ-રિક્ષામાં કચરો કલેક્ટ કરવા કન્ટેનર લગાડી ગોઠવણ કરી હતી. એક મહિના પહેલાં એની શરૂઆત કરી હતી. એ રિક્ષાઓ એ સાંકડી ગલીઓમાં જાય છે અને ડોર-ટુ-ડોર કચરો એકઠો કરે છે. લોકો પણ આ ગાડી આવતાં જ કચરો આપી જાય છે. હાલ આ પાઇલટ પ્રોજેક્ટ છે. અમે ત્રણ ઈ-રિક્ષા ચાલુ કરી હતી. હવે એમાં ત્રણનો વધારો કરવાના છીએ. આના કારણે ઝૂંપડાવાસીઓમાં પણ સ્વચ્છતાનો સંદેશો જાય છે અને ગંદકી ન થવાને કારણે મચ્છર, રોગ, બીમારી પ્રસરવાની શક્યતાઓ પણ ઓછી થઈ જાય છે.’

ભાઈંદરમાં બ્રિજ પરથી યુવાને પાટા પર ઝંપલાવ્યું

ભાઈંદરમાં ગઈ કાલે એક યુવાને ફુટઓવર બ્રિજ પરથી પાટા પર ઝંપલાવી દીધું હતું. આ વખતે ત્યાં ભેગા થયેલા કેટલાક લોકોએ તેના ફોટો પણ પાડી લીધા હતા. જોકે પાટા પર પડેલા યુવાન પરથી ટ્રેન ફરી વળે એ પહેલાં જ આરપીએફના જવાનો ત્યાં દોડી ગયા હતા અને ઘાયલ યુવાનને ત્યાંથી ઉપાડીને સારવાર માટે લઈ જવાયો હતો. તે યુવાન કોણ હતો અને તેણે શા માટે આ પગલું લીધું એની વધુ તપાસ ચાલી રહી છે. 

mumbai news mumbai brihanmumbai municipal corporation