17 November, 2023 12:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
સરકારી પ્રોજેક્ટમાં જેમની મિલકત હસ્તગત કરવામાં આવી હોય એવા ૩૫,૦૦૦ લોકો માટે ફ્લૅટ બાંધવાના મામલામાં ઉદ્ધવ ઠાકરે સરકાર અને બીએમસીએ ૧૮,૬૭૫ કરોડ રૂપિયાનું ક્રેડિટ નોટ્સ કૌભાંડ કર્યું હોવાનો આરોપ બીજેપીના નેતા કિરીટ સોમૈયાએ કર્યો છે.
બીજેપીના વરિષ્ઠ નેતા કિરીટ સોમૈયાએ ગઈ કાલે પત્રકારો સાથે કરેલી વાતચીતમાં દાવો કર્યો હતો કે ‘ઉદ્ધવ ઠાકરે સરકાર અને મુંબઈ બીએમસી દ્વારા સરકારી પ્રોજેક્ટના અસરગ્રસ્તો માટે ફ્લૅટ બાંધવા માટે બે બિલ્ડર સાથે કૉન્ટ્રૅક્ટની પ્રક્રિયા ૨૦૨૧માં શરૂ કરી હતી. માર્ચ ૨૦૨૨માં પુણેના ચોરડિયા બિલ્ડર અને ડીબી રિયલ્ટીના શાહિદ બલવા નામના બિલ્ડરને ચાર કૉન્ટ્રૅક્ટ આપ્યા હતા. પ્રોજક્ટમાં અસર પામેલા લોકોનું પુનર્વસન કરવા માટે ૨૦ હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ ક્રેડિટ નોટ્સના રૂપમાં કરવામાં આવ્યું છે.’
કિરીટ સોમૈયાએ વધુમાં કહ્યું હતું કે ‘ગયા મહિના સુધી બીએમસીએ હવાલા મારફત ૪૧૫ કરોડનું ક્રેડિટ નોટ્સ પેમેન્ટ ચોરડિયા બિલ્ડર્સને મુલુંડ, ભાંડુપ, પ્રભાદેવી પ્રોજેક્ટ માટે કર્યું હતું. આ બિલ્ડરે ૧૦ ટકા ડિસ્કાઉન્ટથી ૧૦૦ બિલ્ડર્સ અને કંપનીઓને આ ક્રેડિટ નોટ્સ વેચી હતી. મુલુંડ પ્રોજેક્ટ માટે ૨૮૨૬ કરોડ, ભાંડુપ પ્રોજેક્ટ માટે ૭૪૨ કરોડ, જુહુ પ્રોજેક્ટ (પ્રસ્તાવિત) માટે ૭૨૦૦ કરોડ, ચાંદિવલી પ્રોજેક્ટ માટે ૧૫૮૪ કરોડ અને મલાડ પ્રોજેક્ટ (પ્રસ્તાવિત) માટે ૫૮૭૩ કરોડ મળીને કુલ ૧૮,૬૭૫ કરોડ રૂપિયાની ક્રેડિટ નોટ્સનાં કમિટમેન્ટ કરવામાં
આવ્યાં હતાં.’
બીજેપીના નેતાએ અંતમાં કહ્યું હતું કે ‘બીએમસી દ્વારા પાછલા બારણેથી બિલ્ડરોને ક્રેડિટ નોટ્સના રૂપમાં હવાલાથી પેમેન્ટ કરવામાં આવ્યું છે અને અત્યારે પણ કરવામાં આવી રહ્યું છે. મુંબઈ બીએમસીના કમિશનર ઇકબાલ સિંહ ચહલ સહિતના અધિકારીઓએ બિલ્ડરોને તાત્કાલિક પેમેન્ટ કરવા માટે ક્રેડિટ નોટ્સ આપવાની શરૂઆત કરવામાં આવી છે. આ રકમ બીએમસીના નિયમિત મહેસૂલ ઉત્પન્નમાંથી ભરવામાં આવે છે. આ ક્રેડિટ નોટ્સ તાત્કાલિક રોકવા માટે રાજ્ય સરકારને વિનંતી કરી છે. આ મામલાની તપાસ કરવાની માગણી મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને કરી છે. નાયબ મુખ્ય પ્રધાનની સાથે નાણાપ્રધાન અજિત પવારને હું આ સંદર્ભે મળીશ.’