મૂર્તિકારોને જગ્યા ને શાડૂ માટી મફતમાં આપવામાં આવશે

24 December, 2024 12:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આગામી ગણેશોત્સવમાં પ્લાસ્ટર ઑફ પૅરિસ પરના પ્રતિબંધને અમલમાં મૂકવા BMCએ શરૂ કરી તૈયારી :જોકે બૃહન્મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિને આટલા વિપુલ પ્રમાણમાં શાડૂ માટી ક્યાંથી મળી રહેશે અને એનાથી ઊંચી મૂર્તિ બની શકશે કે નહીં એની ચિંતા થઈ રહી છે

ગણપતિ બાપ્પાની મૂર્તિઓ

ગણેશોત્સવને હજી ઘણી વાર છે, પણ છેલ્લાં ચાર વર્ષથી પ્લાસ્ટર ઑફ પૅરિસ (POP)ની મૂર્તિ પર મૂકવામાં આવેલો પ્રતિબંધ કોઈ ને કોઈ કારણસર અમલમાં આવી ન રહ્યો હોવાથી આ વખતે એને અમલમાં મૂકવા બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. એના અનુસંધાનમાં જ ગયા અઠવાડિયે બૃહન્મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિએ સુધરાઈ સાથે એક મીટિંગ કરી હતી.

આ મીટિંગમાં આગામી ગણેશોત્સવથી જ POP પરના પ્રતિબંધને અમલમાં મૂકીને શાડૂ માટીની મૂર્તિ બનાવવા માટે શું કરવું જોઈએ એના પર ચર્ચા કરવામાં આવી હતી. સમિતિ તરફથી પર્યાવરણપૂરક વિકલ્પ આપવાની વાત કરવામાં આવી હતી. આ સિવાય ગયા વર્ષે પણ શાડૂ માટીની વ્યવસ્થા કરી આપવાનું કહેવામાં આવ્યું હતું, પણ છેલ્લી ઘડી સુધી એ ન મળી હોવાથી મીટિંગમાં એ મુદ્દો પણ ચર્ચાયો હતો. આ સિવાય શાડૂ માટીથી ઊંચી મૂર્તિ કઈ રીતે બનાવવી એની પણ વિગતવાર ચર્ચા થઈ હતી.

મીટિંગમાં BMC તરફથી મૂર્તિકારોને જગ્યા અને શાડૂ માટી મફતમાં આપવાની જાહેરાત કરવામાં આવી છે, પણ મૂર્તિકારોનાં સંગઠનોનું કહેવું છે કે આવતા મહિનાથી જ શાડૂ માટી મળી જવી જોઈએ, કારણ કે એનાથી મૂર્તિ બનાવવામાં સમય લાગશે. 

મુંબઈમાં બારેક હજાર સાર્વજનિક મંડળો છે અને દોઢેક લાખ ઘરોમાં ગણપતિ આવતા હોવાથી સુધરાઈ આટલી શાડૂ માટી પૂરી પાડી શકશે કે નહીં એ પ્રશ્ન અત્યારે મૂર્તિકારો અને બૃહન્મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિને સતાવી રહ્યો છે.

ganesh chaturthi festivals brihanmumbai municipal corporation mumbai news mumbai news