26 December, 2024 01:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ મલબાર હિલમાં આવેલો ૨૪૩૨ સ્ક્વેર મીટરનો પ્લૉટ બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિસિટી સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ અન્ડરટેકિંગ (BEST)ના વિરોધ બાદ ઑક્શન કરવાનું માંડી વાળ્યું છે. આ પ્લૉટ પબ્લિક ગાર્ડન માટે રિઝર્વ હોવાથી મલબાર હિલના રહેવાસીઓ અને પર્યાવરણવાદીઓએ પણ આ લિલામનો વિરોધ કર્યો હતો. અત્યારે આ પ્લૉટ પર BESTનું રિસીવિંગ સેન્ટર છે, પણ એ જર્જરિત હાલતમાં છે.
શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને આર્થિક ગતિ આપવા માટે BMCએ મલબાર હિલના આ પ્લૉટ સહિત ત્રણ પ્લૉટનું ઑક્શન કરવાનું નક્કી કર્યું હતું જેમાં ક્રૉફર્ડ માર્કેટની નજીક આવેલા છત્રપતિ શિવાજી મહારાજ માર્કેટ અને લોઅર પરેલના ડામરના પ્લાન્ટનો સમાવેશ છે. BESTના એક ઑફિસરે કહ્યું હતું કે ‘અમને ૨૪૦૦ સ્ક્વેર મીટરના નવા રિસીવિંગ સ્ટેશનની જરૂર છે અને આ એરિયામાં BMC પાસે બીજો કોઈ પ્લૉટ નથી. આ જ કારણસર અત્યારે એનું લિલામ અટકાવી દેવામાં આવ્યું છે.’
જોકે બીજા બે પ્લૉટનું ઑક્શન કરવાનો BMCએ નિર્ણય લીધો છે.