બાંદરામાં પાર્ક નીચે પાર્કિંગનો પ્લાન કૅન્સલ થતાં ઢોલ વગાડી કરવામાં આવ્યું સેલિબ્રેશન

23 September, 2024 07:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હવે BMCના જ ગાર્ડન ડિપાર્ટમેન્ટ દ્વારા એ પાર્કના મેદાનમાં સ્પોર્ટ્સનાં સાધનો મૂકવાનું વિચારાઈ રહ્યું છે.

BMCએ પટવર્ધન પાર્ક નીચે અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગનો પ્લાન પડતો મૂકતાં બાંદરાના રહેવાસીઓએ ઢોલ વગાડી એનો આનંદ વ્યક્ત કર્યો હતો જેમાં વિધાનસભ્ય આશિષ શેલાર, સંસદસભ્ય વર્ષા ગાયકવાડ અને ઉદ્ધવ ઠાકરે જૂથનાં રાજ્યસભાનાં સદસ્ય અને પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદી પણ જોડાયાં હતાં. (તસવીરો-શાદાબ ખાન)

બાંદરા-વેસ્ટમાં લિન્કિંગ રોડ પર આવેલા રાવસાહેબ પટવર્ધન પાર્કની નીચે અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગ બનાવવાના બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના પ્લાનનો સ્થાનિક રહેવાસીઓ દ્વારા વિરોધ થતાં હવે BMCએ એ પ્લાન પડતો મૂક્યો છે. મજાની વાત એ છે કે એ પાર્કમાં જ્યાં ગ્રાઉન્ડ છે ત્યાં હવે BMC સ્પોર્ટ્સનાં સાધનો બેસાડવાનો પ્લાન કરી રહી છે.  

મુંબઈમાં પાર્કિંગની સમસ્યા હોવાથી BMCએ બાંદરા-વેસ્ટના પટવર્ધન પાર્કના મેદાનની નીચે અન્ડરગ્રાઉન્ડ બે બેઝમેન્ટ બનાવી પાર્કિંગ પ્લેસ બનાવવાનું વિચાર્યું હતું એટલું જ નહીં, એની ઉપર ટેરેસ ગાર્ડન અને એક કૉર્નરમાં ફેરિયાઓ માટે પણ જગ્યા ફાળવવાનો પ્લાન હતો. જોકે એ પ્લાનનો બાંદરાના સ્થાનિક રહેવાસીઓ દ્વારા જોરદાર વિરોધ પણ કરાયો હતો અને એ સંદર્ભે ઍક્ટિવિસ્ટ જોરુ ભાથેનાએ કોર્ટમાં જનહિતની અરજી પણ કરી હતી. બે વખત એ પ્લાનમાં ફેરફાર કરીને પણ એને ‍અમલમાં મૂકવાનો BMCએ પ્રયાસ કર્યો હતો અને ટેન્ડર પ્રોસેસ પણ ચાલુ કરી હતી. જોકે હવે ફાઇનલી BMCએ અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગનો પ્લાન જ પડતો મૂક્યો છે. હવે BMCના જ ગાર્ડન ડિપાર્ટમેન્ટ દ્વારા એ પાર્કના મેદાનમાં સ્પોર્ટ્સનાં સાધનો મૂકવાનું વિચારાઈ રહ્યું છે. 

mumbai news mumbai brihanmumbai municipal corporation bandra mumbai police