19 September, 2023 08:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બાપ્પાના આગમન માટે મુંબઈ સજ્જ ૨૭૦૦થી વધુ ગણેશમંડળોને બીએમસીની પરવાનગી
મુંબઈ (પી.ટી.આઇ.) ઃ મુંબઈમાં કુલ ૨૭૨૯ સાર્વજનિક ગણેશમંડળોને જાહેર ગણેશોત્સવના આયોજન માટે પરવાનગી આપવામાં આવી છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા સોમવારે એક જાહેરાતમાં જણાવવામાં આવ્યું હતું કે આ વર્ષે કુલ ૩૭૬૭ અરજી મળી હતી, જે ૧૮ સપ્ટેમ્બર સુધી વિવિધ સંગઠનો પાસેથી પ્રાપ્ત થઈ હતી. એમાંથી ૩૭૩ને નિરીક્ષણ પછી નકારવામાં આવી છે, જેમાં મદદનીશ ઇજનેરોના સ્તરે ૩૩૦, ટ્રાફિક-પોલીસ દ્વારા ૨૬, સ્થાનિક પોલીસ-સ્ટેશન દ્વારા ૧૧ અને મદદનીશ કમિશનરો દ્વારા ૬નો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૬૬૫ અરજીઓ ડુપ્લિકેટ હોવાનું જાણવા મળ્યું હતું. જાહેરાતમાં જણાવાયું છે કે તહેવારની તૈયારીઓ એક વિશેષ ડ્રાઇવથી હાથ ધરીને પૂર્ણ કરવામાં આવી છે; જેમાં પંડાલ પરિસર, મૂર્તિવિસર્જનનાં સ્થળો અને માર્ગોની તપાસનો સમાવેશ કરવામાં આવ્યો છે.