02 December, 2023 07:01 AM IST | Mumbai | Sameer Surve
રિઝર્વોયર માટે બીએમસીએ નાગરિકો તેમ જ એક્સપર્ટનાં સૂચનો આવકારવાનું નક્કી કર્યું છે.
મુંબઈ : બીએમસીએ મલબાર હિલ રિઝર્વોયરના સમારકામ માટે સૂચનો આપવા એક્સપર્ટ કમિટીની રચના કરી હતી, પરંતુ કમિટી ગયા મહિનામાં ન તો મળી છે કે ન તો સાઇટ વિઝિટ કરી છે.
હૅન્ગિંગ ગાર્ડન તરીકે ઓળખાતું ફિરોજશાહ મહેતા ઉદ્યાન સદી જૂનું છે અને એના રિપેરવર્ક અને એક્સપાન્શનની જરૂર છે. આ માટે લગભગ ૩૮૯ વૃક્ષો કાપવાં પડી શકે છે અને હૅન્ગિંગ ગાર્ડનની જાળવણીની હિમાયત કરનારા સ્થાનિક લોકોમાં એને લઈને વિરોધ થઈ શકે છે. બીએમસી વડા આઇ. એસ. ચહલે આઇઆઇટી બૉમ્બેના પ્રોફેસરો અશોક ગોયલ, આર. એસ. જાંગિડ, જોતિ પ્રકાશ, દક્ષા મૂર્તિ અને સ્થાનિક પ્રતિનિધિઓ સાથે એક કમિટી બનાવી હતી જેની ડેડલાઇન પહેલી ડિસેમ્બર ૨૦૨૩ની હતી. જોકે એની મુદત બાદમાં લંબાવવામાં આવી હતી.
આ કમિટીમાં સ્થાનિક પ્રતિનિધિ આર્કિટેક્ટ રાહુલ કાદરી, સિવિલ એન્જિનિયર ડૉ. વાસુદેવ નોરી અને એ. શેઠનો પણ સમાવેશ થાય છે. ‘મિડ-ડે’ સાથે વાત કરતાં રાહુલ કાદરીએ કહ્યું હતું કે ‘મને બીએમસી તરફથી કમિટીમાં મારી નિમણૂક અંગેનો પત્ર મળ્યો છે. જોકે ત્યારથી એક મહિનામાં એક પણ મીટિંગ કે સાઇટ વિઝિટ થઈ નથી.’
આ દરમિયાન બીએમસીએ નાગરિકો તેમ જ એક્સપર્ટનાં સૂચનો આવકારવાનું નક્કી કર્યું છે. તેઓ આગામી ૧૫ દિવસમાં પોતાનાં સૂચનો mhriit.suggestion@gmail.com પર સબમિટ કરી શકે છે. ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર પી. વેલારાસુએ જણાવ્યું હતું કે કમિટીની પ્રોસેસમાં ઓછામાં ઓછા ૪૫ દિવસનો સમય લાગશે.
બીએમસીના અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘મલબાર હિલ રિઝર્વોયર ૧૩૭ વર્ષ જૂનું છે અને એને તાત્કાલિક રિપેરવર્કની જરૂર છે. આ રિઝર્વોયર મુખ્યત્વે દક્ષિણ મુંબઈને ૧૪૭ મિલ્યન લિટર પાણી પૂરું પાડે છે. આની ઉપર હૅન્ગિંગ ગાર્ડન બનાવવામાં આવ્યું છે. બીએમસીએ ૧૮૯ વૃક્ષો કાપવાની અને ૨૦૦ ટ્રાન્સપ્લાન્ટ કરવાની દરખાસ્ત કરી છે. નવી ટૅન્કનું કન્સ્ટ્રક્શન વૃક્ષો કાપવાની પરવાનગી મળ્યા બાદ જ શરૂ થશે.’