BMCએ મહાલક્ષ્મી રેસકોર્સની ૯૧ એકર જમીન ૩૦ વર્ષ લીઝ પર આપી

04 July, 2024 06:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અંદાજે ૩૦૦ એકરની જમીન પર હવે ​વિશ્વસ્તરનો થીમ પાર્ક બનાવવાનું આયોજન

મહાલક્ષ્મી રેસકોર્સ

એક સૈકા સુધી મહાલક્ષ્મી રેસકોર્સની ૨૧૧ એકર જમીન રૉયલ વેસ્ટર્ન ઇન્ડિયા ટર્ફ ક્લબ (RWITC)ને લીઝ પર અપાઈ હતી. જોકે ગયા વર્ષે એનું લીઝ ઍગ્રીમેન્ટ પૂરું થયા બાદ હવે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા એની ૯૧ એકર જમીન RWITCને પહેલી જૂનથી ૩૦ વર્ષના લીઝ પર આપવામાં આવી છે. એનું લીઝ ૨૦૫૩ની ૩૧ મેએ પૂરું થશે.

આ લીઝ ઍગ્રીમેન્ટ પર મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા પર BMC અને RWITCએ સહી-સિક્કા કર્યા હતા. રાજ્ય સરકારે બાકીની ૧૨૦ એકર જમીન BMCને ટ્રાન્સફર કરવાનું નક્કી કર્યું છે. BMC દ્વારા કહેવાયું છે કે ૯૧ એકરની જમીન લીઝ પર આપ્યા બાદ બાકીની ૧૨૦ એકર જમીન અને કોસ્ટલ રોડને લાગીને આવેલી ૧૭૫ એકર જમીન પર હવે વિશ્વસ્તરનો ‘મુંબઈ સેન્ટ્રલ પબ્લિક પાર્ક’ બનાવવાનો માર્ગ મોકળો થયો છે.

રાજ્ય સરકારે આ સંદર્ભે ૨૬ જૂને રેઝોલ્યુશન પાસ કર્યું છે જેમાં સરકારના અર્બન ડેવલપમેન્ટ ​ડિપાર્ટમેન્ટે નિર્ધા​રિત કરતાં કહ્યું હતું કે ‘રેસકોર્સની આ ૧૨૦ એકર જમીનનો ઉપયોગ પ​બ્લિક પર્પઝ માટે જ થઈ શકશે. એના પર વિશ્વસ્તરનો થીમ પાર્ક બનાવવામાં આવશે. એના પર વ્યાવસાયિક કે પછી કમર્શિયલ કન્સ્ટ્રક્શન નહીં થઈ શકે.’

BMCએ કહ્યું છે કે આ થીમ પાર્કને કારણે મુંબઈનું ગ્રીન કવર હાલ જે ૩૯૧૭ એકર છે એ વધીને ૪૨૧૨ એકર થશે જે શહેરના પર્યાવરણના રક્ષણમાં મહત્ત્વનું યોગદાન ગણાશે. 

mumbai news mumbai brihanmumbai municipal corporation