બીએમસી ફરી એક વાર પ્રૉપર્ટી-ટૅક્સનો વાર્ષિક ટાર્ગેટ ચૂકી જાય એવી શક્યતા

24 January, 2023 09:46 AM IST  |  Mumbai | Prajakta Kasale

૭૦૦૦ કરોડ રૂપિયાના ટાર્ગેટ સામે અત્યાર સુધીના દસ મહિનામાં માત્ર પચાસ ટકા જેટલા ૩૮૨૦ કરોડ રૂપિયા જ કલેક્ટ થયા છે

બીએમસી ઓફિસ

મુંબઈ : મુંબઈ મહાનગર​પાલિકા એના આવકના સૌથી મોટા એવા બીજા સ્રોત ગણાતા પ્રૉપર્ટી-ટૅક્સ કલેક્શનનો આ વર્ષનો ટાર્ગેટ જે એણે ૭,૦૦૦ કરોડ રૂપિયા રાખ્યો છે એ અચીવ નહીં કરી શકે એવી પૂરી શક્યતા છે. જોકે છેલ્લાં સાત વર્ષથી એ ટાર્ગેટ અચીવ નથી​ જ થઈ શકતો. હવે જ્યારે ફાઇનૅ​​ન્શિયલ વર્ષ પૂરું થવામાં બે જ મહિના બાકી છે ત્યારે અત્યાર સુધીમાં માત્ર પચાસ ટકા જેટલી ૩,૮૨૦ કરોડ રૂપિયાની રકમ જ પ્રૉપર્ટી-ટૅક્સ હેઠળ કલેક્ટ થઈ છે. બાકીના બે મહિનામાં બીજા પચાસ ટકા મ‍ળવા મુશ્કેલ છે. જોકે બીએમસીને આશા છે કે માર્ચમાં એ એની નજીક પહોંચી શકશે. ગયા વર્ષે આ જ સમયગાળા દરમ્યાન ૩,૬૮૮ કરોડ રૂપિયાનો પ્રૉપર્ટી-ટૅક્સ જમા થયો હતો, જ્યારે વર્ષાંતે એ આંકડો ૫,૭૯૨ કરોડ રૂપિયા પર પહોંચ્યો હતો. 

બીએમસીએ ગયા વર્ષે પણ ૭,૦૦૦ કરોડ રૂપિયાનો જ ટાર્ગેટ રાખ્યો હતો. બીએમસીએ પ્રૉપર્ટી-ટૅક્સમાં ૧૪ ટકાનો વધારો સૂચવ્યો હોવાથી એને આશા હતી કે એટલી રકમ એકઠી થશે. જોકે એ વખતની ઉદ્ધવ ઠાકરેના વડપણ હેઠળની મહાવિકાસ આઘાડીની સરકારે એ વધારો મંજૂર કર્યો નહોતો અને કલેક્શન ઓછું રહ્યું હતું. જોકે આ વખતે પણ એકનાથ શિંદેના વડપણ હેઠળની સરકારે પ્રૉપર્ટી-ટૅક્સના એ ૧૪ ટકા વધારાને હવે જ્યારે બીએમસીની ચૂંટણી ઢૂંકડી છે ત્યારે લોકોમાં અળખામણા ન થવાય એ માટે મંજૂરી આપી નથી. એથી કલેક્શન ઓછું થાય એવી શક્યતા જોવાઈ રહી છે.   

આ પણ વાંચો: મલાડવાસીઓને ટ્રાફિકની સમસ્યાથી ઉગારવા આ ઉપાય કરશે BMC

છેલ્લે ૨૦૧૫માં પ્રૉપર્ટી-ટૅક્સમાં વધારો કરાયો હતો. એ પછી ૨૦૨૦માં એ વધારો કરવાનો હતો, પણ કોરોનાને કારણે એ અટકી ગયો હતો. જોકે હવે રાજ્ય સરકારે ૫૦૦ સ્ક્વેર ફુટ સુધીનાં મકાનો-ફ્લૅટ પરનો પ્રૉપર્ટી-ટૅક્સ માફ કર્યો હોવાથી એની અસર પણ કલેક્શન પર જોવા મળી રહી છે. 

mumbai news brihanmumbai municipal corporation