01 March, 2024 10:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બીએમસી
મુંબઈમાં બીએમસી શહેરનાં તમામ બિલ્ડિંગોનું યુનિક આઇડી બનાવવા જઈ રહી છે. આ આઇડીના માધ્યમથી લોકો પોતાના બિલ્ડિંગની બધી જ માહિતી એક ક્લિક કરીને મેળવી શકશે. આ માટે બીએમસીએ ઍપ બનાવવાની તૈયારી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું હતું. બીએમસી દ્વારા અગાઉ પ્રાયોગિક ધોરણે આવી ઍપ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ એને અમલમાં નહોતો મૂક્યો. બીએમસીના ૨૦૨૪-’૨૫ના બજેટમાં શહેરની તમામ ઇમારતોની યુનિક આઇડી સાથેની ઍપ બનાવવા માટેનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે.
બીએમસીના એક અધિકારીના જણાવ્યા મુજબ ઍપ બનાવવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, મંજૂરી મળ્યા બાદ કામ શરૂ કરી દેવામાં આવશે. યુનિક આઇડીમાં બિલ્ડિંગની બધી માહિતી હશે. બિલ્ડિંગ ક્યારે બની, પઝેશન ક્યારે આપવામાં આવ્યું, સોસાયટી ક્યારે બની, સોસાયટીનું મેઇન્ટેનન્સ ભરવામાં આવ્યું છે કે નહીં, ટૅક્સ ભરવામાં આવ્યો છે કે નહીં, ફાયર ઑડિટ કરવામાં આવ્યું છે કે નહીં તેમ જ બિલ્ડિંગ કઈ કૅટેગરીમાં છે એની માહિતી હશે.
થોડા સમય પહેલાં બીએમસીના ઍડિશનલ કમિશનર અશ્વિની ભીડેએ કહ્યું હતું કે ‘મુંબઈમાં ૩૫ હજારથી વધુ સોસાયટી છે, જેમાં ૩૬૨૯ ઊંચાં અને ૩૬૭ ગગનચુંબી બિલ્ડિંગો રજિસ્ટર થયેલાં છે. આમાંથી મોટા ભાગનાં બિલ્ડિંગોનું સમસયર ફાયર ઑડિટ નથી કરાતું અને ફાયર ફાઇટિંગ સિસ્ટમ નથી લગાવવામાં આવતી. આથી આગ લાગે ત્યારે બચાવકામ કરતી વખતે જે-તે બિલ્ડિંગમાં કેટલા ફ્લૅટ છે એની માહિતી નથી હોતી એટલે જાનમાલનું વધુ નુકસાન થાય છે.
બિલ્ડિંગના યુનિક આઇડીમાં એક નંબર આપવામાં આવશે, જેને બીએમસી દ્વારા બનાવવામાં આવી રહેલી ઍપમાં એન્ટર કરવાથી બિલ્ડિંગની તમામ માહિતી મળી જશે. સોસાયટીએ ફાયર ઑડિટ દર છ મહિને અપલોડ નહીં કરી હોય તો બીએમસીની ટીમ એ સોસાયટીમાં પહોંચી જશે અને નોટિસ આપશે. આ સિસ્ટમથી સોસાયટીઓ દ્વારા ફાયર ઑડિટ નથી કરાતી તેઓ ફરજિયાત ઑડિટ કરાવવા લાગશે, જે આગની ઘટનામાં મદદરૂપ બની શકશે.