મુંબઈમાં ૨૦ બ્લૅક સ્પૉટ પર અકસ્માત રોકવા માટે BMCએ તૈયાર કરી યોજના

13 April, 2024 05:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈમાં વારંવાર અકસ્માત થતા હોય એવા ૨૦ બ્લૅક સ્પૉટ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ શોધી કાઢ્યા છે અને અકસ્માતો રોકવા હવે સુધરાઈ સજ્જ બની છે

બીએમસી (ફાઈલ તસવીર)

મુંબઈમાં વારંવાર અકસ્માત થતા હોય એવા ૨૦ બ્લૅક સ્પૉટ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ શોધી કાઢ્યા છે અને અકસ્માતો રોકવા હવે સુધરાઈ સજ્જ બની છે. મહાનગરપાલિકાએ એક બિનસરકારી સંગઠન અને મુંબઈ ટ્રાફિક પોલીસની મદદથી એક યોજનાનો મુસદ્દો તૈયાર કર્યો છે જેનાથી આ સ્થળે થતા અકસ્માતોને નિવારી શકાય. ત્રણ સ્થળો માટે ઉપાય-યોજના તૈયાર કરી દેવાઈ છે અને આ સ્થળે કામ કરવા માટે ટ્રાફિક પોલીસે નો-ઑબ્જેક્શન સર્ટિફિકેટ પણ આપી દીધું છે. આ યોજના તૈયાર કરતાં પહેલાં આ સ્થળોની મુલાકાત લેવામાં આવી હતી. આ સ્થળો પર અકસ્માતો રોકવા એ મૂળ ઉદ્દેશ છે. આ માટે સંબંધિત સ્થળે કામકાજની શરૂઆત થઈ છે. બીજાં ૧૭ બ્લૅક સ્પૉટ માટે ઉપાય-યોજના બનાવવામાં આવી રહી છે. કેટલાંક સ્થળોએ મેટ્રો રેલવેના કામ ચાલુ હોવાથી એ એજન્સીને પણ આ કાર્યમાં સામેલ કરવામાં આવી છે.
શું કરવામાં આવશે?

આ તમામ સ્પૉટ પર રાહદારીઓ રસ્તો ઓળંગી શકે એ માટે ખાસ રસ્તો બનાવાશે અને ફુટપાથને પહોળી કરવામાં આવશે. રસ્તો ઓળંગવા માટે ઊભા રહેતા લોકો માટે રસ્તાની ડાબી અને જમણી બાજુ સિવાય વચ્ચેના ડિવાઇડરની જગ્યામાં સેફ ઝોન તૈયાર કરાશે. રસ્તા પર દોડતાં વાહનોની સ્પીડ ઓછી કરવા માટે સ્પીડબ્રેકર લગાવવામાં આવશે અને સ્પીડરોધક પટ્ટીઓ પણ રસ્તા પર ફિટ કરાશે.

મુંબઈમાં આવેલા ૨૦ બ્લૅક સ્પૉટ
અમર મહલ જંક્શન, ટિળકનગર, ઘાટકોપર
કાંજુરમાર્ગમાં ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે અને જોગેશ્વરી-વિક્રોલી લિન્ક રોડનું ક્રૉસિંગ
બાંદરા કલાનગર જંક્શન
ઘાટકોપર-પૂર્વમાં ઘાટકોપર-અંધેરી લિન્ક રોડ અને ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેનું ક્રૉસિંગ
પ્રિયદ​ર્શિની ચોક, સાયન-ચેમ્બુર
જોગેશ્વરી-પૂર્વમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે અને જોગેશ્વરી-વિક્રોલી લિન્ક રોડનું ક્રૉસિંગ
સાયન ટ્રાફિક જંક્શન, સાયન-વેસ્ટ
માટુંગા-પૂર્વમાં કિંગ્સ સર્કલ ટ્રાફિક જંક્શન
કાંદિવલી-પૂર્વમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે અને આકુર્લી રોડનું ક્રૉસિંગ
કુર્લા-પશ્ચિમમાં સાંતાક્રુઝ-ચેમ્બુર લિન્ક રોડ અને લાલ બહાદુર શાસ્ત્રી માર્ગનું જંક્શન
ઘાટકોપર-પૂર્વમાં છેડાનગર જંક્શન
અંધેરી-પૂર્વમાં સાકીનાકા જંક્શન
ઘાટકોપર-અંધેરી લિન્ક રોડ અને લાલ બહાદુર શાસ્ત્રી રોડનું ક્રૉસિંગ જંક્શન
સાંતાક્રુઝ-પૂર્વમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે અને જવાહરલાલ નેહરુ રોડનું ક્રૉસિંગ
ગોરેગામ-પૂર્વમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે અને ગોરેગામ-મુલુંડ લિન્ક રોડનું જંક્શન
અંધેરી-પૂર્વમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે અને એન. એસ. ફડકે રોડનું જંક્શન
માનખુર્દમાં સાયન-પનવેલ હાઇવે અને ઘાટકોપર-માનખુર્દ લિન્ક રોડનું જંક્શન
બોરીવલી-ઈસ્ટમાં સંજય ગાંધી નૅશનલ પાર્કનું ક્રૉસિંગ
દહિસર-પૂર્વમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે અને સ્વામી વિવેકાનંદ રોડનું જંક્શન
ગોવંડી-પશ્ચિમમાં ઈસ્ટર્ન ફ્રીવે અને ઘાટકોપર-માનખુર્દ લિન્ક રોડનું જંક્શન

brihanmumbai municipal corporation road accident mumbai news mumbai mumbai transport travel news