મુંબઈમાં સૌથી વધારે હાઇરાઇઝ બિલ્ડિંગ બની રહ્યાં છે વરલીમાં : બીજા નંબરે છે મુલુંડ

30 September, 2024 10:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાલ મુંબઈનું સૌથી ઊંચું બિલ્ડિંગ મહાલક્ષ્મીમાં આવેલું મિનર્વા બિલ્ડિંગ છે જે ૩૦૦ ​મીટરની ઊંચાઈ ધરાવે છે

પ્રતીકાત્મક તસવીર

૨૦૦૮થી લઈને અત્યાર સુધી બૃહન્મુંબઈ મહાનગર પાલિકા (BMC)એ ૪૦ માળ કરતાં વધુ ઊંચાઈની કુલ ૮૦૯ ઇમારતો માટે મંજૂરી આપી દીધી છે. એમાં વરલી-લોઅર પરેલમાં ૧૦૪ ઇમારતો સાથે પહેલા નંબરે છે, જ્યારે માનીતું મુલુંડ ૭૯ ઇમારતો સાથે બીજા સ્થાને છે. એ પછી દાદર-માટુંગા ૭૦ અને મલબાર હિલ-નેપિયન સી રોડનો નંબર ૬૦ ઇમારતો સાથે ચોથો છે. 

જે પણ બિલ્ડર ૪૦ માળ કરતાં ઊંચાં મકાન બનાવવા માગતા હોય તેમણે BMCની હાઇરાઇઝ કમિટીનું નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) લેવું પડે છે. આ કમિટીમાં એક્સપર્ટ છે જે એ ઇમારત બનશે તો એની ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એન્વાયરમેન્ટ પર ઓવર ઑલ કેવી અસર પડશે એની ચકાસણી કરે છે. ૨૦૧૭ સુધી ૭૦ મીટરની હાઇટ સુધી હાઇરાઇઝ કમિટીની પરવાનગી લેવી પડતી હતી. જે ત્યાર બાદ ૧૨૦ મીટર સુધીની કરવામાં આવી હતી. હવે જે ઇમારતો ૪૦ માળ કરતાં ઊંચી બને છે તેમણે હાઇરાઇઝ કમિટીનું NOC લેવું પડે છે. BMCના જી સાઉથ વૉર્ડ કે જેમાં વરલી, પ્રભાદેવી, મહાલક્ષ્મી અને લોઅર પરેલનો વિસ્તાર આવે છે એમાં સૌથી ઊંચા ૨૦૦ મીટર અને હવે તો ૩૦૦ મીટરના ટાવરને મંજૂરી આપવામાં આવી છે. મોટા ભાગે જે બંધ થઈ ગયેલી ટેક્સટાઇલ મિલો હતી એની જગ્યાએ આ ટાવર ઊભાં કરાયાં છે. એની સરખામણીએ એની બાજુના જી નૉર્થ વૉર્ડ (દાદર-માટુંગા)માં ૭૩ અને એફ નૉર્થ અને એફ સાઉથ (સાયન-પરેલ-શિવડી-ચિંચપોકલી)માં ૭૪ હાઇરાઇઝ મકાનો માટે પરવાનગી આપવામાં આવી છે.

હાલ મુંબઈનું સૌથી ઊંચું બિલ્ડિંગ મહાલક્ષ્મીમાં આવેલું મિનર્વા બિલ્ડિંગ છે જે ૩૦૦ ​મીટરની ઊંચાઈ ધરાવે છે. મુંબઈમાં પહેલી ગગનચુંબી ઇમારત ૧૯૬૦માં ઉષાકિરણ બની હતી જે ૨૫ મા‍ળની હતી. એ પછી ૧૯૭૦માં સાઉથ મુંબઈમાં દરિયો પૂરીને મેળવાયેલી નરીમાન પૉઇન્ટની અને કફ પરેડની જમીન પર હાઇરાઇઝ બન્યાં. ૧૯૭૦ અને ’૮૦ દરમ્યાન સાઉથ મુંબઈમાં ૩૦-૩૫ માળ ઊંચી ઇમારતો બની. ૧૯૯૦માં દ​ક્ષિણ મુંબઈમાં ઊંચી ઇમારતો બની શકે એ માટે રીડેલવપમેન્ટ માટેની ઇમારતો માટે પહેલાં ફ્લૉર સ્પેસ ઇન્ડેક્સ (FSI)ની લિમિટ સિથિલ કરવામાં આવી એથી પણ ઊંચી ઇમારતો બનવાનું પ્રમાણ વધ્યું. એ પછી નાના ચોકમાં ૪૫ માળનું શ્રીપતિ ટાવર બન્યું જે એ વખતનું સૌથી ઊંચું મકાન હતું. બે દાયકા પહેલાં સ્લમ રિહેબિલિટેશન પૉલિસી આવી અને એ પછી શાપુરજી પાલનજીએ તાડદેવમાં ૬૦ માળનાં બે ટ્વીન ટાવર બનાવ્યાં હતા.

mumbai news mumbai brihanmumbai municipal corporation worli matunga