મુંબઈમાં બનશે ત્રણ નવાં ફાયર સ્ટેશન

04 February, 2024 07:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આગ લાગવાના વધતા જતા બનાવોને ધ્યાનમાં લઈને ફાયર ડ્રોન અને રોબોટિક બૉયની અદ્યતન ટેક્નૉલૉજી પણ વિચારાધીન

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં આગ લાગવાની ઘટનામાં જે રીતે વધારો થઈ રહ્યો છે એ જોતાં બીએમસીએ સાંતાક્રુઝ-વેસ્ટના જુહુતારા રોડ પર, ચેમ્બુરના માહુલ ખાતે અને તિલકનગરમાં વધુ ત્રણ ફાયર સ્ટેશન ઊભાં કરવાનો નિર્ણય લીધો છે. વર્ષ ૨૦૨૪-’૨૫ના બજેટમાં એ માટે ૨૩૨ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. એ સાથે જ ફાયર બ્રિગેડમાં પણ લેટેસ્ટ ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને એને અદ્યતન બનાવવાના પ્રયાસો કરાઈ રહ્યા છે.

સાંતાક્રુઝમાં જુહુતારા રોડ, માહુલ અને તિલકનગરમાં બનનારાં નવાં ફાયર સ્ટેશન માટે સિટી એન્જિનિયિર ડિપાર્ટમેન્ટને ઑલરેડી કહી દેવાયું છે અને તેઓ ટૂંક સમયમાં એના પર કામ ચાલુ કરશે. એ સિવાય કાંદિવલી-ઈસ્ટના ઠાકુર વિલેજમાં અને કાંજુરમાર્ગના એલબીએસ માર્ગ પર હાલ જે બે નવાં ફાયર સ્ટેશન બની રહ્યાં છે એ પણ ઝડપથી તૈયાર થઈ જશે અને આ જ વર્ષમાં કાર્યન્વિત કરી દેવાશે. મુંબઈમાં હાલ ૩૫ મોટાં અને ૧૯ નાનાં ફાયર સ્ટેશન આવેલાં છે. નવાં દરેક ફાયર સ્ટેશન માટે ફાયર એન્જિન અને ત્રણ જમ્બો ટૅન્કર ખરીદવામાં આવશે.

ચીફ ફાયર ઑફિસર રવીન્દ્ર આંબુલગેકરે આ બાબતે માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે  ‘આગની ઘટનાઓ વધી રહી છે અને એમાં પણ મુંબઈમાં જ્યારે સ્કાયસ્ક્રૅપર્સની સંખ્યા ઝડપથી વધી રહી છે ત્યારે અમારે પણ સાબદા રહેવું પડે. એથી જ બજેટમાં આ વખતે એવી જોગવાઈઓ કરી છે જેથી ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી વળાય. ત્રણ નવાં ફાયર સ્ટેશન માટે અમે પ્લાન કર્યો છે અને એ પ્રમાણે હવે બાંધકામ કરવામાં આવશે. આ ઉપરાંત ઠાકુર વિલેજ અને કાંજુરમાર્ગનાં ફાયર સ્ટેશન પણ બની રહ્યાં છે જે આ વર્ષે શરૂ થશે. બીજું, અમે લેટેસ્ટ ટેક્નૉલૉજીનો પણ ફાયર બ્રિગેડમાં સમાવેશ કરવાનું વિચારી રહ્યા છીએ. એમાં ફાયર ડ્રોન અને ડૂબતા લોકોને બચાવનાર રોબોટિક બૉય વસાવવાનો પ્લાન છે.’

ફાયર ડ્રોન અને રોબોટિક બૉય કઈ રીતે કામ કરે અને એ શું મદદમાં આવી શકે એ વિશે માહિતી આપતાં રવીન્દ્ર આબુલગેકરે કહ્યું હતું કે ‘ફાયર ડ્રોન બે પ્રકારનાં હોય છે. એક, હેવી ડ્રોન ઉડાડાતાં પહેલાં નીચેથી એને હોઝ પાઇપ જોડી દેવામાં આવે. ત્યાર બાદ જે હાઇરાઇઝમાં આગ લાગી હોય એના પર એને સ્થિર કરીને ઉપરથી પાણીનો મારો ચલાવાય અને એ રીતે આગ ઓલવવાના પ્રયાસ કરવામાં આવે. હાઇરાઇઝમાં ઉપર સુધી પહોંચતાં ઘણી સમસ્યા આવતી હોય છે અને એ દરમ્યાન આગનો વ્યાપ વધી જતો હોય છે. એથી ઝડપથી ઉપરની તરફ જઈને આગ પર કાબૂ મેળવવાનો એમાં પ્રયાસ થાય છે. બીજા પ્રકારના ફાયર ડ્રોનમાં ડ્રાય કેમિકલ પાઉડર ભરેલો હોય છે, જે હાઇરાઇઝની ઉપર જઈને એનો છંટકાવ કરે છે, જેથી આગ ઓલવવામાં મદદ મળે છે. ડૂબતી વ્ય​ક્તિને બચાવવામાં રોબોટિક બૉય મહત્ત્વનો ભાગ ભજવી શકે એમ છે. બને છે એવું કે કોઈ વ્યક્તિ ડૂબી રહી છે એની જાણ થાય ત્યારે તેની પાસે પહોંચવામાં ખાસ્સો સમય નીકળી જાય છે અને તે વ્યક્તિના બચવાના ચાન્સિસ ઘટી જાય છે. એ સમયે રોબોટિક બૉય બહુ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. એ પાણીમાં બહુ જ સ્પીડથી સર્ફિંગ કરીને ડૂબતી વ્યક્તિ પાસે પહોંચી જાય છે અને તે વ્યક્તિના બચવાના ચાન્સિસ વધી જાય છે. હાલ બજેટમાં એ બન્ને માટે પણ જોગવાઈ કરી રાખી છે.’

mumbai news mumbai brihanmumbai municipal corporation santacruz chembur