04 October, 2024 12:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દશેરા રેલીની ફાઇલ તસવીર
દર વર્ષે દાદરના શિવાજી પાર્ક મેદાનમાં યોજાતી દશેરા-રૅલી માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશને (BMC) ઉદ્ધવ ઠાકરે ગ્રુપને પરવાનગી આપી દીધી છે. જુલાઈ મહિનામાં શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)એ રૅલી માટે પરવાનગી માગતી અરજી કરી હતી. ત્રણ રિમાઇન્ડર બાદ ગઈ કાલે સ્થાનિક વૉર્ડ ઑફિસે એની પરવાનગી આપી હતી. જોકે આ પરવાનગી સાથે શરત નાખવામાં આવી છે કે જો રૅલીની પહેલાં રાજ્યમાં ચૂંટણીની જાહેરાત થઈ જશે અને આચારસંહિતા લાગુ થઈ જશે તો તેમણે ઇલેક્શન કમિશન પાસેથી નવેસરથી પરવાનગી લેવાની રહેશે.
આ પહેલાં ૨૦૨૨માં શિવાજી પાર્કમાં દશેરા-રૅલી માટે એકનાથ શિંદેની શિવસેના અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના વચ્ચે જોરદાર જામી ગઈ હતી. પરવાનગી ન મળતાં ઉદ્ધવ ઠાકરેની સેનાએ મુંબઈ હાઈ કોર્ટમાં જવું પડ્યું હતું અને કોર્ટની મધ્યસ્થી બાદ આખરે ઉદ્ધવ ઠાકરેને પરમિશન મળી હતી. એ વર્ષે એકનાથ શિંદેએ બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC)માં આવેલા મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA) ગ્રાઉન્ડમાં દશેરા મેળાવડો રાખ્યો હતો. ગયા વર્ષે તેમણે આઝાદ મેદાનમાં દશેરાની રૅલી યોજી હતી. હવે આ વખતે તેઓ ક્યાં દશેરા મેળાવડો કરે છે એના પર બધાની નજર છે.