30 March, 2025 05:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
મુંબઈમાં રસ્તા પર પડતા ખાડાને કારણે BMCએ દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચવા પડતા હોવાથી મુંબઈના ૨૦૫૦ કિલોમીટરના રસ્તા કૉન્ક્રીટના કરવાનું હાથમાં લીધું છે. એમાંથી પહેલા તબક્કામાં ૩૨૪ કિલોમીટરના ૬૯૮ રસ્તાનું અને બીજા તબક્કામાં ૩૭૭ કિલોમીટરના ૧૪૦૨ રસ્તાનું કામ ચાલી રહ્યું છે. કૉન્ક્રીટના રસ્તાઓ બનાવ્યા પછી પણ એમાં ખાડા પડે છે, તડ પડે છે જેવી ફરિયાદો આવી રહી હોવાથી એ કામની ગુણવત્તા જળવાય છે કે નહીં એ ચેક કરવા માટે એનું થર્ડ પાર્ટી ઑડિટ કરાવવાનો નિર્ણય BMCએ લીધો છે. એ માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IIT) - મુંબઈને એક વર્ષ માટેનો ૩૮ કરોડ રૂપિયાનો કૉન્ટ્રૅક્ટ આપવામાં આવ્યો છે.
IIT-મુંબઈ દ્વારા કૉન્ક્રીટના એ નવા બનેલા રસ્તાનું મેઇન્ટેનન્સ અને જરૂર પડે તો પુનર્રચના કઈ રીતે વ્યવસ્થિત કરી શકાય એ માટે સલાહ આપવી, દરેક રસ્તાનું ઇન્સ્પેક્શન કરવું, ક્વૉલિટી રિપોર્ટ ચેક કરવો, ટેક્નિકલ ઑડિટનો રિપોર્ટ તૈયાર કરવો, રેગ્યુલરલ સાઇટ-વિઝિટ કરવી જેવાં કામ કરવામાં આવશે.