19 May, 2023 05:30 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
બૃહન્મુંબઈ મહાનગર પાલિકા (Brihanmumbai Municipal Corporation)ના વોર્ડની સંખ્યાને લઈને સુપ્રીમ કોર્ટ (Supreme Court)ના કેસની સીધી સુનાવણી ઑગસ્ટના પહેલા સપ્તાહમાં થશે. તેથી, એ પણ સ્પષ્ટ છે કે ત્યાં સુધી BMCની ચૂંટણીઓ (BMC Election) યોજાશે નહીં. સુપ્રીમ કોર્ટે આજે વોર્ડની સંખ્યામાં ફેરફાર અંગે BMC અને રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે. 92 મ્યુનિસિપલ કાઉન્સિલના સંદર્ભમાં પેન્ડિંગ કેસ સાથે કેસમાં જોડાવા વિનંતી કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે અરજી અલગ રાખી હતી.
મુંબઈ મહાનગર પાલિકાની ચૂંટણી ક્યારે યોજાશે તેની ઉત્સુકતા ગયા વર્ષથી મુંબઈગરાઓમાં હતી. વાસ્તવમાં ફેબ્રુઆરી 2022માં મુંબઈ મહાનગર પાલિકાની મુદત પૂરી થઈ ગઈ હતી. તેથી ફેબ્રુઆરી 2022માં યોજાનારી મુંબઈ મહાનગર પાલિકાની નવી ચૂંટણી 227 કે 236 કેટલા વોર્ડ મુજબ યોજાશે. તેનો જવાબ હજી મળ્યો નથી. મહાવિકાસ આઘાડી સરકારે BMC વોર્ડની સંખ્યા 227થી વધારીને 236 કરી હતી, પરંતુ પછી સત્તામાં આવેલી શિંદે-ફડણવીસ સરકારે આ વોર્ડની સંખ્યા વધારીને ફરી 227 કરી દીધી હતી. મહાવિકાસ આઘાડી સરકારે કહ્યું હતું કે વસ્તીના આધારે વોર્ડની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે, પરંતુ હાઈકોર્ટે શિંદે ફડણવીસ સરકારના નિર્ણયને યથાવત રાખ્યો હતો. આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.
હવે ઑગસ્ટ મહિનામાં સુનાવણી
સુપ્રીમ કોર્ટમાં આજે જ્યારે આ મામલે સુનાવણી થઈ ત્યારે કેટલીક દલીલો થઈ હતી. ચૂંટણીના નિયમો જણાવે છે કે વોર્ડની સંખ્યા અગાઉની વસ્તી ગણતરીના આધારે નક્કી કરવાની હોય છે. આથી 2001ની વસ્તી ગણતરી મુજબ વોર્ડની સંખ્યા 227 હતી. માવિયાએ દલીલ કરી હતી કે 2011ની વસ્તી ગણતરી મુજબ તેમણે 236 કર્યા હતા. તેનો જવાબ એડવોકેટ જનરલ તુષાર મહેતાએ આપ્યો હતો. બંને પક્ષે થોડીવાર દલીલો થઈ હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે મુંબઈ મહાનગરપાલિકા અને રાજ્ય સરકારને નોટિસ પાઠવી હતી. હવે આ કેસની સીધી સુનાવણી ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં થશે. એનો અર્થ એ થયો કે ત્યાં સુધી ચૂંટણીઓ થશે નહીં.
આ પણ વાંચો: સમીર વાનખેડે અને શાહરૂખ ખાનની ચોંકાવનારી ચેટ સામે આવી, જાણો SRKએ શું કહ્યું હતું
મુંબઈ મ્યુનિસિપલ ચૂંટણીઓ કેમ રખડી પડી?
મુંબઈ મ્યુનિસિપલ ચૂંટણી ફેબ્રુઆરી 2022માં અપેક્ષિત હતી. શરૂઆતમાં, કોવિડના સંકટને કારણે, નગરપાલિકાની ચૂંટણીઓ મોકૂફ રાખવામાં આવી હતી. રાજ્યમાં ઠાકરે સરકાર દરમિયાન વોર્ડની પુનઃરચના કરવામાં આવી હતી. મુંબઈમાં 227 વોર્ડની સંખ્યા વધારીને 236 કરવામાં આવી છે. નવા વોર્ડ સ્ટ્રક્ચર મુજબ અનામત સીટોની યાદી પણ બહાર પાડવામાં આવી હતી, પરંતુ આ દરમિયાન ઠાકરે સરકાર પડી ભાંગી. સત્તામાં આવ્યા બાદ, શિંદે ફડણવીસે વોર્ડનું પુનર્ગઠન કરવાનું ચાલુ રાખ્યું. વોર્ડ પુનઃરચના કેસની પિટિશન હાલમાં સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. આ તમામ કારણોને લીધે મુંબઈ મહાનગરપાલિકા વિલંબમાં પડી છે.