12 June, 2023 04:50 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બીએમસી હેડક્વાર્ટર (ફાઈલ તસવીર)
કાલબાદેવી, ઝવેરી બજાર વિસ્તારમાં સોના-ચાંદીના દાગીનાના વ્યવસાય સાથે સંકળાયેલી ઘણી નાની-મોટી ફેક્ટરીઓ આવેલી છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી આ કારખાનાંઓમાંથી ધુમાડો બહાર કાઢતી ચીમનીઓ તેમ જ અનધિકૃત ધંધાઓ પર બીએમસી (BMC) દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી નથી. શુક્રવારે આ વિસ્તારમાં ધનજી સ્ટ્રીટ પર એક બિલ્ડિંગમાં લાગેલી આગના કારણે ધુમાડાથી નિકળતી ચીમનીઓ અને ગેરકાયદે ચાલતા ધંધાઓનો મુદ્દો ફરી ચર્ચાયો છે.
દક્ષિણ મુંબઈનો સી વિભાગ મોટેભાગે કોમર્શિયલ એરિયા તરીકે ઓળખાય છે. આ વિસ્તારમાં ૮૦ થી ૧૦૦ વર્ષથી હજારો ગીચ વસ્તીવાળા રહેણાંક મકાનો આવેલા છે. ૭૦ ટકાથી વધુ રહેણાંક વિસ્તારના ગાલાઓ વ્યાપારી ગાલામાં ફેરવાઈ ગયા છે. આ બિલ્ડિંગમાં ગોદામ, વિસ્તૃત બાંધકામો, ઇમારતોની સામે પાર્ક કરેલા વાહનોની ભીડ જોવા મળે છે. ફેરિયાઓએ પણ ખુલ્લી જગ્યાઓને રોકી લીધી છે.
સોના-ચાંદીને ગાળવાનું કામ અહીંના કારખાનેદારો દ્વારા ચલાવવામાં આવે છે. કમનસીબે રહેણાંક ગલીઓમાં ગેરકાયદેસર રીતે ચાલતા વ્યવસાયો સામે પાલિકા દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં ન આવતી હોવાથી એમાં કોઈ રોક લાગી નથી. અહીંની મોટાભાગની ઇમારતોમાં મોટી સંખ્યામાં લાકડાના બાંધકામો, સાંકડી ગલીઓ, ગાલાઓમાં વ્યાપારી અને રહેણાંક હેતુ માટે કરવામાં આવેલા ગેરકાયદેસરના અનેક વ્યવસાય ચાલે છે. રોડની બંને તરફ વેપાર-ધંધા કરવામાં આવે છે, તેમજ સોના-ચાંદીને ગાળીને ધુમાડો ઓકતી 700થી વધુ ચીમનીઓ પણ આવેલી છે.
સોના-ચાંદીના આભૂષણો બનાવવા માટે અગ્નિનો ઉપયોગ કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ હેતુ માટે ઘણા ગાળાઓમાં ગેસ અને રસાયણોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ફેક્ટરીઓ સાથેની ઇમારતોની માલિકી કોની છે અને આ વ્યવસાયના માલિક કોણ છે તે શોધવાનું કામ પાલિકા માટે મુશ્કેલ બની રહ્યું છે.
આ વિસ્તારની ઇમારતોમાં ઘણી નાની ફેક્ટરીઓ આવેલી છે. આ ફેક્ટરીઓ મુખ્યત્વે બંગાળી માલિકો અને કારીગરો મારફતે ચલાવવામાં આવે છે. નાની જગ્યા ધરાવતા એકેક ગાળામાં ૨૦ થી ૨૫ કામદારો કામ કરે છે. ઝવેરી બજાર (Zaveri Bazzar), ચર્ની રોડ પર આ કારખાનાઓનો વેપાર સોના, ચાંદી અને હીરાના વેપારીઓ સાથે સંકળાયેલો છે. એટલે તેઓ કાલબાદેવી છોડીને બીજે ક્યાંય જઈ શકતા નથી. રાજ્ય સરકાર દ્વારા આ વિસ્તારમાં સોના, ચાંદી અને હીરાના વ્યવસાયને લગતો ખાસ વિભાગ બનાવે તો તમામ ધંધાને એક છત નીચે લાવી શકાય તેમ છે.
આ પણ વાંચો: IT એન્જિનિયરે શરદ પવારનો જીવ લેવાની આપી હતી ધમકી, પોલીસે કરી ધરપકડ
ઉલ્લેખનીય છે કે, સાતથી આઠ વર્ષ પહેલાં લાગેલી આગ બાદ કારખાનામાંથી ધુમાડો ઓકતી ચીમનીઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી. અહીંના વ્યવસાયોએ જણાવ્યું હતું કે ત્યારબાદ આવાં કડક પગલાં લેવાની કે કાર્યવાહી કરવાની કામગીરી પર ધી એન્ડ આવી ગયું છે.