મુંબઈના સાકીનાકામાં ગેરકાયદેસર બાંધકામો પર BMCનું બુલડોઝર, ડિમોલિશન ડ્રાઈવ શરૂ

27 February, 2025 06:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

BMC demolition drive: ડિમોલિશન ટીમોમાં 30 કામદારો, 30 પોલીસ અધિકારીઓ, એન્જિનિયરો અને અન્ય અધિકારીઓનો સમાવેશ થતો હતો, જેમાં JCB અને પોક્લેઇન જેવી ભારે મશીનરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

બુધવારે ડિમોલિશન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી (તસવીર: મિડ-ડે)

મુંબઈ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં અનધિકૃત બાંધકામોને તોડી પાડવા માટે ડિમોલિશન ડ્રાઈવ શરૂ કરી છે. આ અંગે અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ મુંબઈના સાકીનાકા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા માટે ડિમોલિશન ઝુંબેશ હાથ ધરી હતી.

પાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ કાર્યવાહી BMCના L વોર્ડના અધિકારક્ષેત્ર હેઠળ કરવામાં આવી હતી. આ ઝુંબેશમાં હૉટેલ, ડોર્મિટરી અને ઔદ્યોગિક પરિસરમાં અનધિકૃત માળ, આંતરિક દિવાલો અને બાંધકામો દૂર કરવાનો સમાવેશ થતો હતો. "ડિમોલિશન ઝુંબેશ ગેરકાયદેસર બાંધકામોને દૂર કરવાના ચાલુ પ્રયાસોનો એક ભાગ છે, અને આવી કાર્યવાહી ભવિષ્યમાં પણ ચાલુ રહેશે," એક અધિકારીએ જણાવ્યું હતું.

BMCના એક સત્તાવાર નિવેદન અનુસાર, આ કાર્યવાહી BMC કમિશનર અને એડમિનિસ્ટ્રેટર ભૂષણ ગગરાણી અને વધારાના મ્યુનિસિપલ કમિશનર (પૂર્વ ઉપનગરો) ડૉ. અમિત સૈનીના નિર્દેશન હેઠળ કરવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે સાકીનાકા વિસ્તારમાં, હોટલ માટે બનાવેલા અનધિકૃત વિસ્તરણ, સફેદ પુલ નજીકના ઔદ્યોગિક વિસ્તારોમાં આંતરિક દિવાલો અને 90 ફૂટ રોડ પર સ્થિત બે ડોર્મિટરીઓમાં ફ્લોર તોડી પાડવામાં આવ્યા હતા અને અસલ્ફા મેટ્રો સ્ટેશન નજીક 40 રૂમની હૉટેલ અને 18 રૂમની ઈમારતનું ગેરકાયદેસર બાંધકામ પણ દૂર કરવામાં આવ્યું હતું.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ કામગીરી BMCના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (ઝોન 5) દેવીદાસ ખીરસાગર અને આસિસ્ટન્ટ કમિશનર (L વોર્ડ) ધનાજી હેર્લેકરના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. ડિમોલિશન ટીમોમાં 30 કામદારો, 30 પોલીસ અધિકારીઓ, એન્જિનિયરો અને અન્ય અધિકારીઓનો સમાવેશ થતો હતો, જેમાં JCB અને પોક્લેઇન જેવી ભારે મશીનરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

બીએમસીની પ્રદૂષણ ઓછું કરવા માટે પણ પહેલ

પ્રદૂષણ ઓછું કરવા રાજ્યની બેકરીઓમાં લાકડાં અને કોલસાનો ઉપયોગ બંધ કરવાના હાઈ કોર્ટે આપેલા આદેશને પગલે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશને બેકરીઓને નોટિસો મોકલવાનું શરૂ કર્યું છે ત્યારે ઇન્ડિયા બેકર્સ અસોસિએશનનું કહેવું છે કે ‘ઇલેક્ટ્રિક ભઠ્ઠી બેસાડવી બહુ ખર્ચાળ છે. બીજું LPG જોખમી છે. વળી રોજના લાખો મુંબઈગરાઓ વડાપાંઉ, સમોસાપાંઉ કે પછી પાંઉભાજી ખાઈને પેટ ભરે છે. વડાપાંઉની રેકડીઓ પર પાંઉની સપ્લાય આ બેકરીઓ જ કરે છે. જો એ અટકી જશે તો લાખો લોકોએ હેરાનગતિ ભોગવવી પડશે. અનેક લોકોનું ગુજરાન વડાપાંઉ પર ચાલતું હોવાથી બેકરી અને વર્ષો જૂના જમાનાની ઓળખ સમી ઈરાની કૅફેને એમાંથી બાકાત રાખવામાં આવે.’

મુંબઈની ઘણી બેકરીઓ ૫૦ વર્ષ જૂની છે, જ્યારે કેટલીક તો ૧૦૦ વર્ષ જૂની છે અને આ જ બેકરીઓ મુંબઈની હોટેલો, રેસ્ટોરાં તથા વડાપાંઉ અને પાંઉભાજીની લારી પર પાંઉ સપ્લાય કરે છે. ઇન્ડિયા બેકર્સ અસોસિએશનનું કહેવું છે કે ‘લાકડાંની ભઠ્ઠી બંધ કરીને ઇલેક્ટ્રિક ભઠ્ઠી બેસાડવી પરવડે એમ નથી. એ સિવાય ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં આટલી મોટી સંખ્યામાં પાંઉ કે અન્ય બેકરી પ્રોડક્ટ્સનું ઉત્પાદન ન થઈ શકે. બીજો વિકલ્પ લિક્વિડ પેટ્રોલિયમ ગૅસ (LPG)નો છે.

brihanmumbai municipal corporation sakinaka mumbai news mumbai mumbai weather whats on mumbai