પબ્લિક પાસેથી પૈસા કઈ રીતે ખંખેરવા એના આ​ઇડિયા મેળવવા ૭૧ લાખ રૂપિયાનો ખર્ચ​

24 October, 2024 06:58 AM IST  |  Mumbai | Prajakta Kasale

આ છે મુંબઈ મહાનગરપાલિકાનું લેટેસ્ટ અભિયાન, મહેસૂલી આવકના નવા રસ્તા શોધવા અર્ન્સ્ટ ઍન્ડ યંગને કૉન્ટ્રૅક્ટ આપવામાં આવ્યો

બીએમસીની પ્રતીકાત્મક તસવીર

મુંબઈ સુધરાઈની ઓળખ દેશમાં સૌથી શ્રીમંત સુધરાઈ તરીકે કરવામાં આવે છે, પણ છેલ્લાં થોડાં વર્ષોથી એની આવકમાં ઘટાડો થઈ રહ્યો હોવાથી વિવિધ વિકાસ-યોજનાઓ માટે એને ફિક્સ્ડ ડિપૉઝિટો પર આધાર રાખવો પડતો હોવાથી હવે મહેસૂલી આવકના નવા રસ્તા શોધવા માટે એણે ગ્લોબલ રિસર્ચ એજન્સી અર્ન્સ્ટ ઍન્ડ યંગની મદદ લીધી છે અને આગામી નવ મહિનામાં આવકના નવા રસ્તા શોધવાનું કામ એને સોંપ્યું છે. આ કંપની ફેબ્રુઆરી મહિના સુધીમાં એનો રિપોર્ટ આપશે એટલે સુધરાઈ-કમિશનર આગામી વર્ષના બજેટમાં આ ઉપાયોને સામેલ કરશે. આમ સુધરાઈને ફિક્સ્ડ ડિપૉઝિટો પર ઓછો આધાર રાખવો પડશે. છેલ્લાં પાંચ વર્ષમાં સુધરાઈને આવી ડિપૉઝિટો પર આધાર રાખવાની નિર્ભરતા ત્રણગણી વધી ગઈ છે. આ કંપની વિશ્વની બીજી સુધરાઈઓ કેવી રીતે તેમની મહેસૂલી આવક વધારે છે એનો સ્ટડી કરીને સુધરાઈને સલાહ આપશે.

આ વર્ષે સુધરાઈએ આશરે ૬૦,૦૦૦ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું હતું, પણ આવક ઘટી રહી હોવાથી આશરે ૨૨,૫૦૦ કરોડ રૂપિયા ફિક્સ્ડ ડિપૉઝિટો તોડાવીને વાપરવામાં આવશે. સુધરાઈએ આશરે ૨,૦૦,૦૦૦ કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટો મંજૂર કર્યા છે, પણ એના માટે નાણાં ક્યાંથી ઊભા કરવાં એની સલાહ આ કંપની આપશે.

આ મુદ્દે સુધરાઈના અધિકારીએ જણાવ્યું હતું કે ‘આ કંપની સાથે નવ મહિનાનો કૉન્ટ્રૅક્ટ કરવામાં આવ્યો છે. મુંબઈ સુધરાઈની સરખામણી દેશની બીજી સુધરાઈ સાથે થઈ શકે એમ નથી એટલે ગ્લોબલ રિસર્ચ એજન્સીની મદદ લેવાઈ છે. આ કંપની સુધરાઈના અકાઉન્ટ્સ વિભાગને અપગ્રેડ કરવાનાં સૂચન પણ આપશે. આ કામ માટે સુધરાઈ એને ૭૧ લાખ રૂપિયા કન્સલ્ટન્સી-ફી આપશે.’

શા માટે આવક ઘટી?
પહેલાં સુધરાઈને ઑક્ટ્રોયરૂપે જોરદાર આવક થતી હતી અને એમાંથી તમામ પ્રોજેક્ટને ફન્ડ આપી શકાતું હતું, પણ ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) આવ્યા બાદ સુધરાઈને એના બદલે સરકાર તરફથી વળતર મળે છે. આ રકમ પહેલાંની આવક કરતાં ઓછી છે. વળી પ્રૉપર્ટી-ટૅક્સની આવકમાં પણ ઘટાડો થયો છે.
 

mumbai news mumbai brihanmumbai municipal corporation columnists prajakta kasale