`કોવિડ કૌભાંડમાં બીએમસી કમિશનર પણ સામેલ`: બીજેપી નેતા કિરીટ સોમૈયાનો મોટો આરોપ

02 December, 2023 04:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બીજેપી નેતા કિરીટ સોમૈયાએ મુંબઈ બીએમસી કમિશનર પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેણે આરોપ લગાવ્યો છે કે બીએમસી કમિશનર ઈકબાલ સિંહ ચહલ કોવિડ સંબંધિત તમામ કૌભાંડોમાં સામેલ છે

કિરીટ સોમૈયા અને ઇકબાલ સિંહ ચહલની ફાઇલ તસવીર

બીજેપી નેતા કિરીટ સોમૈયા (Kirit Somaiya)એ મુંબઈ બીએમસી કમિશનર (BMC Commissioner) પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેણે આરોપ લગાવ્યો છે કે બીએમસી કમિશનર ઈકબાલ સિંહ ચહલ કોવિડ સંબંધિત તમામ કૌભાંડોમાં સામેલ છે. આ મામલે હવે બીજેપી નેતા કિરીટ સોમૈયા દિલ્હીમાં ભારત સરકારના ઉચ્ચ અધિકારીઓને મળશે અને કોવિડ કૌભાંડોમાં બીએમસી કમિશનર ઈકબાલ સિંહ ચહલની કથિત સક્રિય ભૂમિકા વિશે માહિતી શેર કરશે. કોવિડ ઑક્સિજન પ્લાન્ટ કૌભાંડમાં કોન્ટ્રાક્ટર રોમિલ છેડાની ધરપકડ અને કિરીટ સોમૈયાના આ ગંભીર આરોપો બાદ બીએમસી કમિશનર ઈકબાલ સિંહ ચહલની ભૂમિકા શંકાના દાયરામાં છે.

બીએમસીના ઑક્સિજન જનરેશન પ્લાન્ટ કૌભાંડ સાથે સંબંધિત એક પત્ર પણ છે, જેમાં મુંબઈના તત્કાલિન પાલક મંત્રી અસલમ શેખે જૂન 2021માં ચહલને પત્ર લખીને છેડાની કંપની વિશે ચેતવણી આપી હતી. શેઠે લખ્યું હતું કે, છેડાની કંપનીને જયપુર શિફ્ટ કરી દેવી જોઈએ. અગાઉ પણ પેંગ્વિન કૌભાંડમાં મુંબઈની એક હૉસ્પિટલને બીએમસી દ્વારા બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી અને દંડ ફટકારવામાં આવ્યો હતો.

આ પછી હવે સવાલો ઊઠી રહ્યા છે કે ચેતવણી મળ્યા બાદ પણ બીએમસી કમિશનરે છેડાની કંપનીને ઑક્સિજન પ્લાન્ટનું ટેન્ડર કેવી રીતે આપ્યું. અગાઉ, બીએમસી કમિશનર ઇકબાલ સિંહ ચહલ પર ઉદ્ધવ ઠાકરે સરકારની ખૂબ નજીક હોવાનો આરોપ લાગ્યો હતો, જ્યારે ઈકબાલ સિંહ ચહલને આ આરોપો વિશે પૂછવામાં આવ્યું તો તેણે કોઈ પ્રતિક્રિયા આપવાનો ઈન્કાર કર્યો છે.

નોંધનીય છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ કોવિડ કૌભાંડો સંબંધિત આરોપોની પણ તપાસ કરી રહ્યું છે અને તેણે ઈકબાલ ચહલની પણ પૂછપરછ કરી છે. આ સિવાય મુંબઈ પોલીસની ઈકોનોમિક ઑફેન્સ વિંગ બોડી બેગ કૌભાંડ અને ઑક્સિજન જનરેશન પ્લાન્ટ કૌભાંડની પણ તપાસ કરી રહી છે.

kirit somaiya brihanmumbai municipal corporation bharatiya janata party mumbai mumbai news